સુપ્રીમે ઝૂમ એપ પર પ્રતિબંધ મુકવાની માંગ કરતી અરજી કેન્દ્ર પાસે જવાબ માંગ્યો

નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે ભારતમાં અમેરિકન વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન ‘ઝૂમ’ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર પાસેથી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. તેમજ સુપ્રીમ કોર્ટે ઝૂમ ને પણ કોર્ટને નોટિસ મોકલી છે.
બુધવારે દાખલ કરેલી પીઆઈએલમાં ઝૂમ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાની માંગ પાછળ ગોપનીયતાનાં અધિકારને ટાંકવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે શાસકીય અને વ્યક્તિગત સ્તરે ઝૂમનાં ઉપયોગ અંગે યોગ્ય કાયદો નિર્દેશિત કરવો જોઈએ અને જ્યાં સુધી વિગતવાર તપાસ ન થાય ત્યાં સુધી આ એપ્લિકેશનનો ઉપયોગ બંધ કરવો જોઇએ.
રિપોર્ટ અનુસાર, દિલ્હીનાં રહેવાસી હર્ષ ચૂઘ વતી ઉક્ત પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ એપ્લિકેશનનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો આપી શકે છે. આ સિવાય આ અમેરિકન એપ્લિકેશન દ્વારા વિવિધ પ્રકારનાં સાયબર ક્રાઇમને પણ પ્રોત્સાહન મળી શકે છે.