સુપ્રીમ કોર્ટમાં વિજય માલ્યાની ફાઇલમાંથી દસ્તાવેજ ગાયબ
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં ભાગેડૂ વિજય માલ્યા ફાઇલમાંથી જરૂરી દસ્તાવેજ ગાયબ થયા છે. જેના કારણે સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાની પુનર્વિચાર અરજી પર સુનાવણી ૨૦ ઓગસ્ટ સુધી ટાળી દીધી છે. જોકે વિજય માલ્યાએ સુપ્રીમ કોર્ટના આદેશ વિરૂદ્ધ જઇને પોતાની સંપત્તિ પોતાના પરિવારના નામે ટ્રાંસફર કરી દીધી હતી. ત્યારબાદ આદેશની અવગણના કરવાના કારણે સુપ્રીમ કોર્ટે ૨૦૧૭માં માલ્યાને દોષી ગણવામાં આવ્યો હતો. ત્યારબાદ વિજય માલ્યાએ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી હતી જે સુનાવણે માટે લગભગ ત્રણ વર્ષ એટલે કે આજે લિસ્ટ થઇ છે. પરંતુ દસ્તાવેજ ગુમ થવાથી આ કેસ પર ગુરૂવારે સુનાવણી થઇ શકી નહી અને કોર્ટે આ અરજી પર સુનાવણીને ૧૪ દિવસ માટે ટાળી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બંધ પડેલા કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યા પર દેશના ૧૭ બેંકોના ૯ હજાર કરોડ રૂપિયા બાકી છે. પરંતુ વિજય માલ્યા માર્ચ ૨૦૧૬માં ભારત છોડીને બ્રિટન ભાગી ગયા હતા. ભારતીય એજન્સીઓએ યૂકેની કોર્ટમાંથી માલ્યાના પ્રત્યર્પણની અપીલ કરી અને લાંબી લડાઇ બાદ યૂકેની કોર્ટે ૧૪ મેના રોજ વિજય માલ્યાના ભારત પ્રત્યર્પણની અપીલ પર મોહર લગાવી છે.