સુપ્રીમ કોર્ટે બાળકોની દેખરેખ માટે પિતાને ચાર કરોડ ચુકવવાનો આદેશ આપ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/11/Divorse.jpg)
૨૦૧૯થી અલગ રહેતા દંપતીને છૂટાછેડાની મંજૂરી, પત્નીને છૂટાછેડા આપી શકાય, બાળકોને નહીંઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, લગ્ન સંબંધી વિવાદ સાથે જાેડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઘણી મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમે કહ્યું કે, તમે પત્નીને છૂટાછેડા આપી શકો છો, પરંતુ બાળકોને નહીં. આ સાથે જ કોર્ટ દ્વારા પતિને આદેશ આપવામાં આવ્યો છે
કે તે સેટલમેન્ટની રકમ ૪ કરોડ રુપિયા મહિલાને છ અઠવાડિયાની અંદર ચૂકવી આપે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાય ચંદ્રચૂરની આગેવાની વાળી પીઠે સંવિધાનના અનુચ્છેદ ૧૪૨ અંતર્ગત મળેલા અધિકારનો ઉપયોગ કરીને કપલને છૂટાછેડા લેવાની મંજૂરી આપી હતી. પતિ-પત્ની બન્ને ૨૦૧૯થી જ અલગ રહે છે.
સુપ્રીમે કહ્યું કે, અગ્રીમેન્ટમાં જે શરતો નક્કી થઈ છે તે લાગુ થશે. સુનાવણી દરમિયાન પતિ તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે, અગ્રીમેન્ટ અંતર્ગત ચાર કરોડ રુપિયા ચુકવવાના હતા પરંતુ તે માટે સમય આપવામાં આવે. કોરોનાને કારણે વેપાર પ્રભાવિત થયો હોવાની દલીલ વકીલ દ્વારા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ દલીલના જવાબમાં કહ્યું કે, તમારા દ્વારા જ સેટલમેન્ટ કરવામાં આવ્યું છે કે જે દિવસે છૂટાછેડા આપવામાં આવશે ત્યારે ૪ કરોડ રુપિયા ચુકવવામાં આવશે.
હવે નાણાંકીય સ્થિતિની દલીલ માન્ય ન ગણી શકાય. તમે તમારી પત્નીને છૂટાછેડા આપી શકો છો પરંતુ બાળકોને નથી આપી શકતા, જેમને તમે જન્મ આપ્યો છે. બાળકોની દેખરેખની જવાબદારી તમારી છે. તમારે બાળકોના ઉછેર માટે આ રકમ આપવાની રહેશે.
કોર્ટે પતિને આદેશ આપ્યો કે તે એક સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી એક કરોડ રુપિયા મહિલાને આપે અને બાકીના ૩ કરોડ રુપિયા ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી આપે. ઓગસ્ટ ૨૦૧૯માં પતિ-પત્ની વચ્ચે અગ્રીમેન્ટ અંતર્ગત આ સેટલમેન્ટ થયુ હતું.