સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું- તમે મામલાને હેન્ડલ નથી કરી રહ્યા, અમારે જ પગલાં લેવાં પડશે
નવી દિલ્હી, મોદી સરકારના નવા કૃષિ કાયદાને પાછા ખેંચવાની માગ સાથે ખેડુતોએ શરુ કરેલા આંદોલનનો આજે 47મો દિવસ છે. દરમિયાન ખેડુત આંદોલનને લઇને અરજી પર સુપ્રીમ કોર્ટેમાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કહ્યું કે અમારા પાસે તો એવી એક પણ દલીલ કે અરજી નથી આવી કે કાયદા ખૂબ સારા છે. અમે ખેડૂતોના મામલામાં નિષ્ણાત નથી પણ તમે આ કાયદા રોકો છો કે અમે પગલાં ભરીએ.? પરિસ્થિતિ સતત બગડી રહી છે, લોકો મરી રહયા છે અને ઠંડીમાં બેઠા છે, ત્યાં ખાવા-પીવાની વ્યવસ્થા કોણ કરશે?
ખેડૂતો છેલ્લા 47 દિવસથી સતત કાયદાને પાછો લેવાની માગણી કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતની વચ્ચે 8 રાઉન્ડની વાતચીત થઇ ચૂકી છે પરંતુ કૃષિ કાયદાને લઇ કોઇ સમાધાન નીકળ્યું નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખેડૂત કાયદો પાછો લેવા માંગે છે જ્યારે સરકાર મુદ્દાઓ પર વાત કરવા માંગે છે. અમે અત્યારે કમિટી બનાવીશું અને કમિટીની વાતચીત ચાલુ રહેવા સુધી કાયદાના અમલ પર અમે સ્ટે મૂકીશું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે પ્રસ્તાવ મૂકીએ છીએ કે ખેડૂતાના મુદ્દાના સમાધાન માટે કમિટી બને. અમે પણ પ્રસ્તાવ મૂકીએ છીએ કે કાયદાના અમલ પર સ્ટે મૂકો, આના પર જેને જે દલીલ રજૂ કરવા માંગે છે તે કરી શકે છે.
સરકારના વલણ પર નારાજગી વ્યક્ત કરતા ચીફ જસ્ટીસે જણાવ્યું કે કોણ પણ સરકાર આંદોલનને રોકી ન શકે. સરકાર તરફથી કોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ રીતે કોઈપણ કાયદા પર પ્રતિબંધ ના લગાવી શકે, આ મામલે અદાલતે જણાવ્યું કે અમે સરકારના આ વલણથી ખૂબ નારાજ છીએ, અને અમે આ કાયદાને રોકવાની તૈયારીમાં છીએ. હવે ખેડુતો તેમની સમસ્યાઓ સમિતિ સમક્ષ જણાશે. સુપ્રીમ આજે મહત્વના પગલાં લેશે.
ચીફ જસ્ટિસે કહ્યું કે જે રીતે સરકાર આ મામલો સંભાળી રહી છે, તેનાથી અમે નાખુશ છીએ. અમે નથી જાણતા કે તમે કાયદો પાસ કરવા માટે પહેલા શું કર્યુ. ગત સુનાવણીમાં પણ વાતચીત વિશે કહેવામાં આવ્યું, શું થઇ રહ્યું છે? ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ સરકારને કહ્યું કે, જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે, તેનાથી અમે નિરાશ છીએ. અમને નથી ખબર કે સરકારની ખેડૂતો સાથે શું વાતચીત ચાલી રહી છે. સાથે જ પૂછ્યું કે, શું કૃષિ કાયદાને થોડોક સમય માટે અટકાવી શકાય છે? ચીફ જસ્ટિસે કહ્યું કે, અમુક લોકો આપઘાત કરી ચૂક્યાં છે. વૃદ્ધ અને મહિલાઓ આંદોલનમાં સામેલ છે. આ બધું ચાલી શું રહ્યું છે? કૃષિ કાયદાને સારો ગણાવતી એક પણ અરજી આવી નથી.