સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એક વખત રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવા નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો
નવી દિલ્હી, હંમેશા વિવાદોમાં રહેતા ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એક વખત દેશના રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવાની માંગણી કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે.
સ્વામીએ પત્રમાં જણાવ્યું છે કે, વર્ષ 1949ના નવેંબરની 26મીએ બંધારણીય સભાના છેલ્લા દિવસે બંધારણીય સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે મતદાન લીધા વિના જ જન ગણ મન… ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરી દીધું હતું. જો કે તેમણે પણ એ શક્યતા વિચારી હતી કે, ભવિષ્યમાં સંસદ આ ગીતના શબ્દોમાં ફેરફાર કરી શકતી હતી.વાસ્તવમાં આ ગીત 1912માં ભારત આવેલા બ્રિટનના રાજવીના માનમાં રચાયેલું હતું.
નોબેલ પારિતોષિક વિજેતા ગીતકાર કવિ રવીન્દ્રનાથ ટાગોર રચિત આ ગીત પહેલીવાર 27 ડિસેમ્બર 1911ના રોજ ગવાયું હતું. આ ગીતમાં વર્ણવાયેલાં ઘણાં સ્થળો હવે ભારતમાં નથી અને ઘણાંના નામ બદલાઇ ચૂક્યાં હતાં. એ સંજોગોમાં આ ગીતના શબ્દોમાં હવે ફેરફાર કરીને નવું ગીત તૈયાર કરાવવું જોઇએ અને એને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવું જોઇએ. તેમ સ્વામીએ માંગણી કરી છે.