સુભાષબ્રીજ આરટીઓએ ર૪ હજાર વાહનો ગાયબ કર્યા: મનપામાં ટેક્ષ ન ચુકવ્યો
ર૦૦૯થી ર૦૧૧માં આચરવામાં આવેલ રૂા.ર૩૩ કરોડના કૌભાંડનું પુનરાવર્તન: રેવન્યુ ચેરમેન જૈનિકભાઈ વકીલે આરટીઓનું કૌભાંડ પકડ્યુ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી, પ્રોફેશનલ અને વ્હીકલ ટેક્ષનું કલેકશન કરવામાં આવે છે. શહેરના આરટીઓમાં જે વાહનો જાય છે તેના આધારે વાહનવેરાની વસુલાત કરવામાં આવે છે.
સામાન્ય રીતે આ પ્રક્રિયા એકદમ સરળ છે તેથી તેમાં ગેરરીતિ થવાની શકયતાઓ ઓછી હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ માન્યતા ભુલભરેલી છે. વાહનોના કેટલાક વિક્રેતાઓ અને આરટીઓ અધિકારીઓની મજબુત સાંઠગાઠના કારણે જેટલા વાહનો રજીસ્ટર્ડ થાય છે તેટલી સંખ્યામાં મનપામાં ટેક્ષ ભરપાઈ કરવામાં આવતો નથી.
મ્યુનિ. રેવન્યૂ કમીટી ચેરમેને આવી જ શંકાના આધારે તપાસ કરતા ર૦૧૯ના વર્ષમાં જ ર૪ હજાર કરતા વધુ વાહનોના ટેક્ષ ભરવામાં આવ્યો ન હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. નોંધનીય છે કે અગાઉ લોકલ ફંડ ઓડીટના અહેવાલમાં આ જ પ્રકારની ગેરરીતિ આચરી રૂા.ર૩૪ કરોડનો વેરો ભરવામાં આવ્યો ન હોવાના અહેવાલ જાહેર થયા હતા. તે સમયે ઓનલાઈન રજીસ્ટ્રેશનના વેરા વસુલાતમાં ગેરરીતિ થઈ હતી.
મ્યુનિસિપલ રેવન્યૂ કમીટી ચેરમેન જૈનિકભાઈ વકીલના જણાવ્યા મુજબ શહેરમાં વાહનોની સંખ્યા સતત વધી રહી છે પરંતુ તેની સામે વાહનવેરાની આવકમાં કોઈ નોંધપાત્ર વધારો થતો નથી તેથી આ અંગે સઘન તપાસ કરવામાં આવી હતી તેમજ ર૦૧૯ના વર્ષમાં સુભાષબ્રીજ આરટીઓ ખાતે રજીસ્ટર્ડ થયેલા વાહનોની વિગતો લેવામાં આવેી હતી જેની સામે મનપામાં જમા થયેલા વાહનવેરાની વિગતો ચકાસામાં આવી હતી.
જેમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ર૦૧૯ના વર્ષમાં આરટીઓ ખાતે રજીસ્ટર્ડ થયેલા ૧,૭ર,૧૩૮ વાહનો પૈકી ર૪૪૮૭ વાહનોનો ટેક્ષ ભરવામાં આવ્યો ન હતો, જેમાં ૧૩૭૯૮ મોટર સાયકલ, ર૪૭૪ મોટરકાર તથા ર૭૯૬ અન્ય વાહનો છે જેની ટેક્ષ રકમ અંદાજે રૂા.૧ર.૧૪ કરોડ થાય છે, જયારે મ્યુનિ. કોર્પોેરશનની આસપાસના વિસ્તારના પ૪૧૯ વાહનો પૈકી રપપર મોટર સાયકલ, ર૩૬૦ મોટરકાર તથા પ૦૪ અન્ય વાહનોનો પણ ટેક્ષ ભરવામાં આવ્યો નથી જેની રકમ અંદાજે રૂા.પ.૭૮ કરોડ થાય છે.
આમ, માત્ર એક જ વર્ષની ચકાસણી દરમ્યાન અંદાજે રૂા.૧૮ કરોડના વ્હીકલ ટેક્ષ ભરપાઈ થયો ન હોવાની વિગતો બહાર આવી છે. આ તમામ વાહનચાલકોને નોટિસ આપવામાં આવશે. વાહન માલિક તરફથી ટેક્ષ ભર્યાની રસીદ રજુ કરવામાં આવશે તો નોટિસ રદ કરવામાં આવશે. નાગરીકોએ વાહન ખરીદી કરે ત્યારે વ્હીકલ ટેક્ષની રસીદ અને ટોકન લે તે આવશ્યક છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે લોકલ ફંડ ઓડીટ રીપોર્ટના છેલ્લા અહેવાલમાં પણ રૂા.ર૩૪ કરોડનો વાહનવેરો ભરપાઈ ન કરવામાં આવ્યો હોવાની વિગતો જાહેર કરવામાં આવી છે, ર૦૦૯થી ર૦૧૧ના સમયગાળામાં અમદાવાદની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે ૭૮ લાખ વાહનોના રજીસ્ટ્રેશન થયા હતા જેમાં ૮.૭પ લાખ ટ્રાન્સપોર્ટ વાહનો અને ૬૯.૩૦ લાખ નોન ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા હતી જે પૈકી ર૭ લાખ વાહનોના ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા હતા જેની સામે મ્યુનિ. કોર્પોરેશનમાં માત્ર ૦૬ લાખ વાહનોનો ટેક્ષ ભરપાઈ થયો હતો.
અમદાવાદ સુભાષબ્રીજ આરટીઓ કચેરી ખાતે ર૦૦૯થી ર૦૧૧ દરમ્યાન જે ર૭ લાખ વાહનોના ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા હતા તેમાં ર૦ લાખ દ્વિચક્રી વાહનો ૧.૪૦ લાખ ઓટો રીક્ષા, મોટરકાર તથા જીપની સંખ્યા ૪.૩૦ લાખ અને ટ્રકની સંખ્યા ૬૦ હજાર હતી. મ્યુનિ. કોર્પોરેશને ર૦૦૮ની સાલમાં વ્હીકલ ટેક્ષના જે દર નકકી કર્યા હતા તેના પ૦ ટકા વસુલાતની ગણત્રી કરવામાં આવે તો ર૦૦૯ થી ર૦૧૧ના સમયગાળા દરમ્યાન મનપાને વ્હીકલ ટેક્ષ પેટે રૂા.રર૮ કરોડની આવક થવી જાેઈએ જેની સામે તંત્રને માત્ર રૂા.ર૯.૩૪ કરોડની આવક થઈ હતી.
આમ, તે સમયે મનપાએ વ્હીકલ ટેક્ષ પેટે રૂા.૧૯૮.૬૬ કરોડની આવક ગુમાવી હતી જયારે ટોકન ફી પેટે રૂા.૩૩.૯૦ કરોડની રીકવરી કરવામાં આવી નહતી, આમ, ર૦૦૯થી ર૦૧૧ના સમયગાળા દરમ્યાન તંત્રએ રૂા.ર૩૩ કરોડની આવક ગુમાવી હતી. ર૦૧૯ના વર્ષમાં પણ આ પ્રકારના કૌભાંડનું પુનરાવર્તન થયુ છે. મ્યુનિ. અધિકારીઓ દ્વારા આ મુદ્દે યોગ્ય ચકાસણી કરવામાં આવે તો પ્રતિ વર્ષ વાહનવેરાની આવકમાં રૂા.રપ કરોડ સુધીનો વધારો થઈ શકે છે.