સુમૂલ ડેરીમાં ડિરેક્ટરે જ પુત્રને નોકરી અપાવતા રજિસ્ટ્રારે નોટિસ ફટકારી
નિઝર તાલુકાની દેવાળા દૂધ ઉત્પાદક મંડળીએ ફરિયાદ કરી હતી
સુરત, પુત્ર મોહમાં નિયમોની ઉપરવટ જઈને સુમૂલના ડિરેકટર સુમૂલમાં જ પુત્રને નોકરી રાખવાના મુદ્દે વિવાદ થયા બાદ નિઝર તાલુકાની દેવાળા દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખે રાજયના રજિસ્ટ્રારને લેખિત ફરીયાદ કરી હતી. તે સદર્ભે રાજયના રજીસ્ટ્રારે સુમૂલના ડીરેકટર ભરત સુદામ પટેલને ડિરેકટર પદેથી દુર કેમ નહી કરવાની નોટિસ ફટકારી છે.
સુમૂલના ડીરેકટરપદે ભરત સુદામ પટેલ નિઝર તાલુકામાંથી પ્રતિનિધિત્વ કરે છે. જાેકે ડિરેકટરપદ પર હોવાના કારણે સુમૂલને પોતાની પેઢી સમજી બેઠા હોય તેમ પોતાના પુત્ર હેમંત ભરત પટેલને નોકરીમાં લગાડવામાં આવતા વિવાદ થયો હતો. તેમાં દેવાળા દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ યોગેશ ચુનીલાલ રાજપૂતે રાજયના રજિસ્ટ્રાર તથા જિલ્લા રજિસ્ટ્રારને ફરિયાદ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ની કલમ અન્વયે અને ગુજરાત સહકારી મંડળીના નિયમ ૧૬પના ૩ર (બી) તથા નિયમ ૩૩(૩)માં કરવામાં આવેલી જાેગવાઈઓ પ્રમાણે તાત્કાલિક અસરથી તેઓને કાયમી ધોરણે દૂર કરવામાં આવવા જાેઈએ.
કારણ કે સહકારી મંડળીના હોદ્દા પર હોય ત્યારે પરિવારના કોઈ પણ સભ્યને તે સંસ્થામાં નોકરી પર લગાડી શકાય નહી. તેના લીધે નિયમ પ્રમાણે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. આ ફરિયાદ બાદ રાજયના રજિસ્ટ્રારે ભરત પટેલને ડિરેકટરપદેથી દૂર કેમ નહી કરવા તેનો ખુલાસો કરવા નોટિસ ફટકારી છે.