સુરક્ષાદળોએ ચાર જૈશ-એ મોહમ્મદના આતંકીને ઠાર માર્યા
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના નગરોટા વિસ્તારમાં ગુરુવાર સવારે સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ ચારેય આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા. મળતી માહિતી મુજબ એન્કાઉન્ટર સવારે ૫ વાગ્યે શરૂ થયું હતું. આ વિસ્તાર જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર નગરોટાના બાન વિસ્તારમાં છે. અત્યાર સુધી ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હોવાની પુષ્ટિ થઈ છે. નગરોટા એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા ચારેય આતંકવાદી જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા.
સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, આતંકી ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદથી ગત રાત્રે ઘૂસણખોરી કરી સાંબા પહોંચ્યા હતા. અહીં પહેલાથી રાહ જોઈ રહેલા તેમનો એક કેરિયર જે ટ્રક લઈને આવ્યો હતો તે તેમને લઈને કાશ્મીર જવાના ફિરાકમાં હતો. સવારે લગભગ ૪ઃ૪૫ વાગ્યાની આસપાસ આ ટ્રક નગરોટા ટોલ પ્લાઝાએ પહોંચી હતી ત્યાં જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશલ ઓપરેશન ગ્રુપે તેમને ઘેરી લીધા.
પોલીસને પહેલાથી જ તેના ઇનપુટ મળ્યા હતા કે કેટલાક આતંકી આંતરરાષ્ટ્રીય સરહદથી ઘૂસણખોરી કીર કાશ્મીર જવાની ફિરાકમાં છે. એન્કાઉન્ટર શરૂ થયાના લગભગ બે કલાક બાદ ચારેય આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સીઆરપીએફ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાની ટીમો ઘટનાસ્થળે તૈનાત છે. જમ્મુ-કાશ્મીરના એક જવાન ઘાયલ થયા છે
જેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જમ્મુના જિલ્લા પોલીસ અધિકારી એસએસપી શ્રીધર પાટિલે કહ્યું કે, લગભગ પાંચ વાગ્યે આતંકવાદીઓએ નગરોટા વિસ્તારમાં બાન ટોલ પ્લાઝાની પાસે સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું. તેઓ એક ગાડીમાં છુપાયેલા હતા. સુરક્ષાના કારણોથી પોલીસે નગરોટા નેશનલ હાઈવે બંધ કરી દીધો છે. આ ઓપરેશનમાં સીઆરપીએફ અને એસઓજી સામેલ છે.