સુરતઃ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવકની ઘાતકી હત્યા
સુરતમાં ગત રાત્રે ફાયરિંગની ઘટના બાદ આજે હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ
સુરત, સુરતમાં ગત રાત્રે ફાયરિંગની ઘટના બાદ આજે વહેલી સવારે હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઉધના વિસ્તારમાં ૨૪ વર્ષીય યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. બાબુ પટેલ નામના યુવકને અજાણ્યા શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યાે હતો. લોકડાઉન વચ્ચે હત્યા સહિત ફાયરિંગની ઘટનાને લઈ ભારે ચકચાર મચી છે. લોકડાઉનમાં થયેલી હત્યાના પગલે ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, ઉધના વિસ્તારમાં આવેલ પટેલ નગર ખાતે એક રીક્ષામાં એક યુવાન લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિકોને આ અંગેની જાણ થતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસની તપાસ મુજબ, મૃતકનું નામ બાબુ ગણપતભાઈ પટેલ હોવાનું ખૂલ્યું હતું અને તે ગતરાત્રે ૧ વાગ્યે પટેલનગર શૌચાલય સામે રીક્ષામાં સુઈ ગયો હતો તેવામાં તેની હત્યા થઈ હતી. હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી તો પોલીસને આ હત્યા અંગત અદાવતમાં થઈ હોવાની આશંકા છે માટે તેના મોબાઈલ સીડીઆર મેળવી પોલીસ તપાસ કરશે. જે વિસ્તારમાં યુવકની થઈ તે વિસ્તારમાં ગત રાત્રે ફાયરિંગની ઘટના પણ બની હતી.