Western Times News

Gujarati News

સુરતઃ ATMથી લાખો ઉપાડનાર મેવાત ટોળકીના ૪ ઝડપાયા

પોલીસે અપરાધીઓ પાસેથી ૨૫ એટીએમ કાર્ડ, ૧.૧૩ લાખ રોકડ અને ૬ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી

સુરત : સુરતમાં બેંક ઓફ બરોડાના ભાગા તળાવ બ્રાંચ ખાતે આવેલ એટીએમ મશીનમાં ગઠિયાઓએ છેડછાડ કરીને ત્રીસેક વાર લાખો રૂપિયા ઉપાડી લીધા હતા. આ બાબતે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસના અંતે ક્રાઈમ બ્રાંચે હરિયાણાની મેવાત ગેંગના ચાર ઠગોને પકડી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી ૨૫ એટીએમ કાર્ડ, રૂ.૧.૧૩ લાખ રોકડ અને ૬ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંક ઓફ બરોડાના ભાગા તળાવ બ્રાંચમાં બેંકનું એટીએમ આવેલું છે. તા.૮ નવેમ્બરના રોજ એક કસ્ટમર બેંકમાં આવ્યો અને તેણે મેનેજરને ફરિયાદ કરી કે તમારૂં એટીએમ વારંવાર બંધ રહે છે. તેના આધારે બેંકે તપાસ કરતા ખબર પડી કે, તા.૧૦ ઓક્ટોબરથી તા.૧૩ ઓક્ટોબર અને તા.૧ નવેમ્બરથી તા.૪ નવેમ્બર દરમિયાન ઘણી વખત એટીએમ બંધ રહ્યું છે. તેથી આ સમયગાળા દરમ્યાન એટીએમના સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા બેંક અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

આ ગાળામાં કેટલાક શંકાસ્પદ ઇસમો એટીએમમાં આવે છે અને તેઓ મશીનમાંથી રૂપિયા ઉપાડતી વખતે મશીનનો ઇલેક્ટ્રીક સપ્લાય બંધ કરી દે છે. ત્યારબાદ મશીનમાંથી રૂપિયા કાઢી લેતા હતા. આવું ૩૦થી વધુ વખત એટીએમ સેન્ટરમાં આવીને બે મશીનોમાં છેડછાડ કરી હતી. આવી રીતે ગઠિયાઓએ લાખો રૂપિયા ઉપાડી લીધા હતા. હજુ બેંકે પોલીસને સ્પષ્ટ નથી કર્યું કે આવી રીતે કેટલા રૂપિયા નીકળ્યા છે.

પરંતુ સમગ્ર ઠગાઇની જાણ સામે આવતાં બેંક તરફથી ચીફ મેનેજર બાબુલનાથ યાદવે ક્રાઈમ બ્રાંચમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચે આ ગુનામાં ચાર આરોપીઓ નિયામત દિનમોહમદ મેવ (રહે. મેવાત, હરિયાણા), મોસીમખાન આલમખાન (રહે. પલવલ, હરિયાણા), રેહાન ઉર્ફ રીન્ની અલ્લાઉદ્દીન મેવ(રહે. નુહુ, હરિયાણા) અને રહેમાન ઉર્ફ ચુન્ના અજીજ રંગરેજ (રહે. પલવલ, હરિયાણા)ની ધરપકડ કરી લીધી હતી.

પોલીસે આરોપીઓ પાસેથી ૨૫ એટીએમ-ડેબિટ કાર્ડ, રોકડા ૧.૧૩ લાખ રૂપિયા અને ૬ મોબાઇલ ફોન કબજે કર્યા હતા, તેઓ પાસે જે કાર્ડ છે એ તેમના પોતાના છે કે ક્લોન કરેલા છે તેની પણ ડીસીબી તપાસ કરી રહી છે. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, એટીએમમાં સિક્યુરીટી ગાર્ડ ના હોય ત્યાં જઈને જ તેઓ રૂપિયા ઉપાડતા હતા.

મશીનમાંથી રૂપિયા બહાર આવે તે સમયે મશીનનો ઇલેક્ટ્રીક સપ્લાય બંધ કરી દેતા હતા અને રૂપિયા ખેચીને લઈ લેતા હતા. જેથી રૂપિયા મળી જાય પરંતુ ટ્રાન્જેક્શન પુરૂ થતું ન હતું. પોલીસે હવે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.