સુરતથી બિહાર માટે રવાના થઇ પહેલી કપડા પાર્સલ ટ્રેન
સુરત, કોરોના કાળ દરમિયાન કપડા ઉદ્યોગ સહિતના તમામ ઉદ્યોગો પર માઠી અસર પડી હતી. તમામ ઉદ્યોગો હવે ધીમે ધીમે આ સંકટમાંથી ઉભરી રહ્યા છે. એવામાં સુરત કપડા ઉદ્યોગને વેગ આપવા માટે મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. સુરતથી કપડા સામગ્રીને બિહાર સુધી પહોંચાડવા માટે ૨૫ ડબ્બાની પહેલી ખાસ કપડા પાર્સલ ટ્રેન શરું કરવામા આવી છે, જેને શનિવારે સુરતથી બિહાર માટે રવાના કરવામાં આવી હતી.
પશ્ચિમ રેલવેના અધિકારીઓએ રવિવારે આ અંગેની માહિતી આપતાં જણાવ્યું કે, સસ્તા, ઝડપી અને સુરક્ષિત ટ્રાન્સપોર્ટ દ્વારા સુરતના કપડા બજારને વેગ આપવાના હેતુસર આ ખાસ ટ્રેન શરુ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે રેલવે અને કપડા રાજ્યમંત્રી દર્શના જરદોશે શનિવારે સુરતના ઉધના ન્યૂ ગુડ્સ શેડથી પટના નજીક દાનાપુર અને મુઝફ્ફરપુરના રામદયાળુ નગર માટે આ ખાસ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી.
આ દરમિયાન રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય અને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ હાજર રહ્યા હતા. રેલવે તરફથી જણાવવામાં આવ્યું કે, ઉધના ન્યૂ ગુડ્સ શેડમાં એનએમજી ડબ્બામાં પહેલી વાર કપડા સામગ્રીને લોડ કરવામાં આવી હતી. આ દિશામાં પહેલી વાર કપડા પાર્સલ ટ્રેન ઉધનાથી કપડા સામગ્રી લઇને પટનાના મુઝફ્ફરપુર માટે ચલાવવામાં આવી છે. આ પહેલા પશ્ચિમ રેલવેના મુંબઇ વિભાગે હાલમાં જ પહેલી વાર ૨૦૨.૪ ટન કપડા સામગ્રીને સુરત પાસે ચલથણથી કોલકાતાના શાલીમાર સુધી પહોંચાડી હતી.SSS