સુરતના અઠવામાં સીલ કરાયેલ ફ્લેટમાં વધુ ૩ કોરોનાના કેસ
સુરત, રાજ્યમાં કોરોનાના કેસ ભલે ઘટ્યાં હોય પરંતુ સુરતના કોરોનાના કેસ હવે ડરાવી રહ્યાં છે. સુરતના અઠવામાં સીલ કરાયેલ મેઘમયુર અને આવિષ્કાર ફ્લેટમાં વધુ ૩ કોરોનાના કેસ સામે આવ્યાં છે. એમાંય જે કેસ પોઝિટિવ આવ્યાં તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
આ પહેલાં એક સાથે મેઘમયુરમાં ૯ લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.ક્લસ્ટર કરાયેલા વિસ્તારમાં કોન્ટેકટ ટ્રેસિંગના કારણે બાળકોમાં કોરોનાનું સંક્રમણ જાેવા મળ્યું છે. છેલ્લાં બે અઠવાડિયા દરમ્યાન રાંદેર અને અઠવા ઝોન વિસ્તારમાં કેસો સામે આવતા ૧ હજાર ૮૦૦ જેટલાં એક્ટિવ સર્વેલન્સ વર્કરોને પાલિકા દ્વારા કામે લગાડવામાં આવ્યાં છે. પાલિકા દ્વારા શહેરમાં કુલ ૬૬ ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.
જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ બાદ સુરતમાં કોરોનાની સ્થિતિ વધુ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના કેસોમાં વધારો થતાં તંત્ર પણ ચિંતિત બન્યું છે.
અગાઉ કોરોનાના એક સાથે વધુ કેસો આવતાં જે બિલ્ડિંગો સીલ કરી દેવામાં આવી હતી ત્યાં જ વધુ કેસો મળી આવ્યાં છે. પીપલોદ વિસ્તારમાં આવેલ આવિષ્કાર રેસિડેન્સીમાં બાળકો સહિત ૧૧ને કોરોના થતાં સીલ કરવામાં આવી હતી. અહીં ૪૪ ફ્લેટના ૧૫૦ રહીશોને ક્વોરન્ટાઇન કરાયા છે. ત્યારે આ રેસિડેન્સીમાં વધુ ૩ કોરોનાના કેસો નોંધાયા છે.
મહત્વનું છે કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા અઠવા ઝોનના મેઘમયુર એપાર્ટમેન્ટ સીલ કરાયું છે. કારણ કે ૨ જ દિવસમાં ૯ લોકો કોરોના પોઝિટિવ આવતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનએ એપાર્ટમેન્ટ સીલ કરી દીધું હતું. મેઘમયુર એપારમેન્ટમાં વધુ એક વ્યક્તિને કોરોના થતાં કુલ ૧૨ કોરોના પોઝિટિવ દર્દી થયા છે.HS