સુરતના કઠોરમાં રહેતા મૌલવીને ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું
પાકિસ્તાની આકાના ઈશારે હિન્દુ નેતાઓને ધમકી ઃ એનઆઈએ-આઈબી દ્વારા મૌલવીની પૂછપરછ
સુરત, પાકિસ્તાન અને નેપાળના આકાઓના ઈશારે હિન્દુવાદી નેતાઓને ધમકી આપી હત્યા કરવાના કાવતરા ઘડી રહેલા મૌલવી સોહેલની એનઆઈએ અને સેન્ટ્રલ આઈબીની ટીમે સઘન પૂછપરછ શરૂ કરી છે.
બીજી તરફ સુરત ક્રાઈમ બ્રાન્ચે મૌલવીને લઈ કઠોર સ્થિત તેના ઘરે જઈ બે કલાક સર્ચ ઓપરેશન કર્યું હતું. મળતી વિગતો પ્રમાણે દેશદ્રોહી કૃત્ય સાથે સંકળાયેલા કઠોરના મૌલવી મહમ્મદ સોહેલ અબુબકર ટિમોલ (ઉ.વ.ર૭, રહે.સ્વાગત રેસિડેન્સી કઠોર, કામરેજ-મૂળ રહે.દેવળ ફળિયું, નવાપુર, જિ.નંદુરબાર)ની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. મદ્રેસામાં હાફિઝ બની મુસ્લિમ પરિવારના બાળકોને ધાર્મિક જ્ઞાન આપતો મહંમદ સોહેલ પાકિસ્તાનના ડોગર અને નેપાળની શેહનાઝ નામની વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા થકી સતત સંપર્કમાં હતો. ડોગર અને શેહનાઝ મૌલવીને સતત ઉશ્કેરીને હિન્દુ ધર્મ વિરૂદ્ધ ઉચ્ચારણો કરતા હતા.
સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા, સુદર્શન ચૌહાણ, રાજા સિંઘ વગેરેની હત્યા કરવાનું કાવતરું ઘડાયું હોવાનો ઘટસ્ફોટ પણ થયો હતો. છેલ્લા દોઢેક વર્ષથી તે વર્ચ્યુઅલ નંબરથી પાકિસ્તાન અને નેપાળના હેન્ડલર સાથે મળી સુરતમાં હિન્દુવાદી નેતાની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. ઉપરાંત તે યુ-ટ્યુબ ચેનલ પર પણ હિન્દુવાદી નેતાઓ સામે ઝેર ઓકી જમાતના લોકોને ઉશ્કેરણી કરતો હોય કોર્ટે તેના ૧૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમ સોમવારે બપોરે ૧ર વાગ્યે મૌલવી સોહેલને કઠોર લઈ ગઈ હતી. અહીં સ્વાગત રેસિડેન્સીમાં તેના ઘરમાં ક્રાઈમ બ્રાન્ચે સર્ચ કર્યું હતું. દોઢથી બે કલાક સુધી ક્રાઈમ બ્રાન્ચે મૌલવીના ઘર ફંફોસી નાંખ્યું હતું. જ્યાંથી કેટલાક મહત્ત્વના પુરાવા પણ હાથ લાગ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાન અને નેપાળના આકા અંગે દેશદ્રોહી પ્રવૃત્તિ સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં પૂછપરછ કરવામાં આવી હતી.