સુરતના કબ્રસ્તાનોમાં વેઈટિંગ, જેસીબી દ્વારા કબર ખોદાય છે
મૃતદેહોની સંખ્યા વધતાં કબર ખોદવા માટે મજૂરો પહોંચી ન વળતાં જેસીબીની મદદથી અગાઉથી કબર ખોદાય છે
સુરત, કોરોનાને કારણે શહેરની સરકારીથી લઈને ખાનગી હોસ્પિટલો ભરાઈ ગઈ છે. કોરોના ટેસ્ટિંગ માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. મૃત્યુ બાદ અંતિમવિધિમાં પણ વેઈટિંગ. સ્મશાનમાં જ નહીં પરંતુ કબ્રસ્તાનમાં પણ વેઈટિંગની સ્થિત સર્જાઈ છે. જે કબ્રસ્તાનમાં પહેલા ૧ કે ૨ મૃતદેહ આવતા હતા ત્યાં આજે રોજના ૮ થી ૧૦ મૃતદેહ આવી રહ્યા છે. આ સ્થિતિમાં કબર ખોદવા માટે મજૂરો પહોંચી ન વળતા જેસીબી મશીનની મદદથી કબર ખોદવામાં આવી રહી છે.
સુરતમાં આવેલા કબ્રસ્તાનમાં સામાન્ય રીતે ૧ કે બે મૃતદેહો આવતા હતા. સંચાલકોના મતે એક કબર ખોદવામાં ૪ થી ૫ કલાકનો સમય લાગે છે. પરંતુ હાલમાં મૃતદેહોની સંખ્યા વધી ગઈ છે જેના કારણે કબર ખોદવા માટે મજૂરો પહોંચી વળતા નથી.
આ સ્થિતિમાં સંચાલકો દ્વારા હવે જેસીબી મશીનની મદદથી એડવાન્સમાં જ કબર ખોદવામાં આવી રહી છે. જેથી અંતિમવિધિ માટે આવતા લોકોને અહીં વધારે સમય રાહ ન જાેવી પડે અને વધારે લોકો એકઠા ન થાય. આ ઉપરાંત કોરોનાની સ્થિતિમાં મજૂરો પણ કામ કરવા માટે તૈયાર થઈ રહ્યા નથી એટલા માટે અમે મશીન મારફતે આ કામગીરી શરૂ કરી છે.
કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. રાજ્યમાં કોરોનાના મોતના આંકડા સતત વધી રહ્યા છે. સુરત શહેરના સ્મશાનોમાં અંતિમસંકાર માટે લાઇનો લાગી છે. સ્મશાનોમાં ખૂબ જ વેઇટિંગ શરૂ થતાં તંત્ર દ્વારા બે નવા સ્મશાન કાર્યરત કરવા પડ્યા છે.
શહેરના પાલ કૈલાશ મોક્ષધામમાં ૧૪ વર્ષ પછી રવિવારે પહેલા અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. કોરોનાથી મૃત્યુ પામેલા ૧૩ વર્ષના બાળકની શબસૈયા જાેઇને વાતાવરણ ગમગીન બની ગયું હતું અને સૌ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.