સુરતના કાપડના વેપારીના પુત્રને કારે કચડતાં મોત, પરિવારે આંખોનું દાન કર્યું
સુરત, સુરતના સિટીલાઈટના સૂર્યપ્રકાશ રેસિડેન્સી કેમ્પસમાં અજાણ્યા વાહનચાલકની અડફેટે સાડાત્રણ વર્ષનું બાળક માસૂમ કચડાઈ ગયું હતું. ગુરુવારની મોડી સાંજે બનેલી ઘટના બાદ માસૂમના મૃતદેહને જાેઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
પીડિત પિતાએ જણાવ્યું હતું કે ‘અમે દીકરો ગુમાવ્યો છે, પણ એની આંખ કોઈનામાં જીવિત રહેશે તો અમને જાેશે. બસ, એ જ અમારી યાદ રહેશે’ એમ કહી સાડાત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટ કરી હતી. મૃતક બાળકની આંખો લોક દૃષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકારી હોવાનું ડો. પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કે બાળકોની આંખો ભાગ્યે જ દાનમાં આવતી હોય છે. બાળકની દાનમાં મળેલી આંખો કોઈ બે વ્યક્તિની અંધારી દુનિયાને રંગીન જરૂર કરશે.
મનીષ જૈન (મૃતક બાળકના પારિવારિક મિત્ર)એ જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની સાંજે બની હતી. માસૂમ સેવર (ઉં.વ. ૩.૫) કોમ્પ્લેક્સના કંપાઉન્ડમાં બાળમિત્રો સાથે રમતો હતો. ત્યાર બાદ કોઈ સફેદ કલરની કાર સેવરને કચડીને ભાગી ગઈ હતી.
બાળકોના કલ્પાંતને લઈ સોસાયટીવાસીઓ ભેગા થઈ ગયા હતા. લોકો સેવરને લોહીના ખાબોચિયામાં જાેઈ ધ્રૂજી ગયાં હતાં. તાત્કાલિક જાણ કરતાં આખો પરિવાર દોડીને કેમ્પસમાં આવી ગયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં પુત્રને જાેઈ પરિવારના હોશ ઊડી ગયા હતા. માથામાં ઇજા થવાથી તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં જૈન પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
સંદીપ જૈન રાજસ્થાનના રહેવાસી અને કાપડના વેપારી છે. ૧૫ વર્ષથી સુરતમાં રહે છે. ત્રણ સંતાનમાં સાડાત્રણ વર્ષનો સેવર સૌથી નાનો દીકરો હતો. માસૂમ સેવરની જિંદગી કચડી નાખનાર કારચાલક CCTVમાં કેદ થઈ ગયો છે, જેની ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. કારચાલક માસૂમની જિંદગીને કચડી નાખ્યા બાદ ઊભો પણ રહ્યો નહોતો.
શોકમાં ડૂબેલા પરિવારે માસૂમ સેવરની આંખ ડોનેટ કરી પુત્રને જીવંત રાખ્યો છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. તેજશ ચૌહાણે આંખ ડોનેટ માટે મદદરૂપ થયા અને પોસ્ટમોર્ટમ કરી આપતાં અંતિમવિધિ કરાઈ હતી.
ડો. શક્તિ આબલિયા (મેડિકલ ઑફિસર)એ જણાવ્યું હતું કે લગભગ સાડાત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટનો સુરતમાં પ્રથમ કિસ્સો હોય એમ કહી શકાય છે. ૫ વર્ષના બાળકની આંખ ડોનેટ કરાઈ હોવાનું મારા ધ્યાન પર છે. ૬૫ ટકા આંખનું ડોનેટ સિનિયર સિટિઝન કરતા હોય છે. જાેકે એનો ઉપયોગ બહુ ઓછો થાય છે.
૮૦ વર્ષના લોકોની ડોનેટ આંખ માત્ર ૩ ટકા જ કામ આવે છે. ચક્ષુબેંકના ડો. પ્રફુલ સિરોયાએ જણાવ્યું હતું કે હજારોમાં એક કેસ જાેવા મળે છે, જેમાં ૫ વર્ષની અંદરના બાળકની આંખ ડોનેટ થતી હોય છે. ૨૦૦૮માં જન્મના ૨ કલાક બાદ બાળકનું મૃત્યુ થતાં લોકદૃષ્ટિ ચક્સુ બેંકે આંખ ડોનેટ તરીકે સ્વીકારી હતી. નાની ઉંમરે મળતું આંખનું ડોનેટ એ સારામાં સારું પરિણામ આપે છે.