સુરતના કાપડના વેપારી સાથે ૩૬ લાખની છેતરપિંડી

પ્રતિકાત્મક
સુરત, શહેરના રિંગરોડ પર આવેલ અભિનંદન માર્કેટમાં દુકાન ધરાવતા કાપડના વેપારીએ દલાલ મારફતે લિંબાયતમાં કાપડના વેપારીના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ ૩૦ દિવસમાં પૈસા ચૂકવી આપવાના વાયદાઓ સાથે કામ શરૂ કર્યું હતું અને લિંબાયતમાં ખાતું ધરાવતા કાપડના વેપારી પાસેથી કાપડનો માલ ખરીદી કર્યાે હતો.
માત્ર દોઢ મહિનાના સમયગાળા દરમિયાન ૩૬ લાખનો કાપડનો માલ ખરીદી લીધો હતો. જાે કે બાદમાં પૈસા આપવામાં ગલ્લાં તલ્લાં કરતા વેપારી અભિનંદન માર્કેટ પહોંચતા તેની સાથે ઠગાઈ થવાની જાણ થઈ હતી. બનાવની વિગત એવી છે કે, મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળના વતની ૪૨ વર્ષીય દિનેશ આતુભાઈ કવાદ લિંબાયત વિસ્તારમાં લુમ્સનું કારખાનું ધરાવે છે.
બે મહિના પહેલા અંકિત જૈન તેમના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં અંકિત જૈને વિશાલ અગ્રવાલ (દુકાન નં-૧૦૯-૭, અભિનંદન માર્કેટ રિંગરોડ), સતીષભાઈ (ઓમસાડીના પ્રોપારાઈટર, દુકાન નં-૧૯, રાધે માર્કેટ, રિંગરોડ), સંદિપભાઈ જાલાન ઉર્ફે ધાર્મિકભાઈ સાથે દિનેશભાઈ મુલાકાત કરાવી હતી.
આ ત્રણેય કાપડના વેપારીઓ હોવાની અને રિંગરોડ પર અભિનંદન ટેક્સટાઈલ માર્કેટમાં, તેમની દુકાન નં-૧૦૯૭, રાધે માર્કેટમાં પદમાવતી ટ્રેડિંગ નામની દુકાન હોવાની વાતો કરી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં અંકિત જૈને તમામ વચ્ચે બેઠક કરાવી કાપડનો માલ લીધાના ૩૦ દિવસમાં પૈસા ચૂકવી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ગત તા.૧૦-૯-૨૦૨૧થી તા.૧૨-૧૦-૨૦૨૧ના સમયગાળા દરમિયાન રૂપિયા ૩૬,૦૮,૮૭૦નો બ્લાટન રિંચ પલ્લુ કાપડનો માલ લીધો હતો અને આ માલના પૈસા ૩૦ દિવસ બાદ પણ નહીં ચૂકવતા દિનેશભાઈએ પૈસાની ઉઘરાણી કરતા તમામ ભેગા મળી બંને દુકાન બંધ કરી પલાયન થઇ ગયા હતા જેથી આખરે દિનેશભાઈને પોતાની સાથે ઠગાઈ થયાની જાણ તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.