સુરતના કાપડ ઉદ્યોગમાં એક વર્ષ બાદ રોનક જાેવા મળી

Files Photo
સુરત: કોરોના કાળમાં કાપડ ઉદ્યોગની કમર ભાગી પડી હતી. મહોરમ, ઈદ સહિતના પર્વમાં કોઈ પણ પ્રકારનો ધંધો થયો ન હતો. વેપારીઓએ ક્યાંક ને ક્યાંક દિવાળી પર્વ સુધીની આશા જ છોડી દીધી હતી. જાેકે આ વચ્ચે એક આશાનું કિરણ વેપારીઓ માટે જાેવા મળ્યું છે. દક્ષિણ ભારતના આડીના પર્વને લઈને ખરીદી નીકળી છે. તેલંગણા, આંધ્રપ્રદેશના વેપારીઓ ૫૦૦૦ થી લઈ ૧૦ લાખ સાડીઓના ઓર્ડર સુરતના વેપારીઓને આપી ચૂક્યા છે.
જેના કારણે સુરત કાપડ ઉદ્યોગને મોટી રાહત મળી છે. જે દુકાનોમાં વેપારીઓ જાેવા મળતા નહોતા, ત્યાં વેપારીઓનો ધસારો જાેવા મળી રહ્યો છે. એટલું જ નહીં કારીગરો મોટા પાર્સલો પેક કરતાં પણ નજરે ચડી રહ્યા છે. કોરોનાના કાળને કારણે છેલ્લા બે વર્ષથી વેપાર ધંધાની અવદશા થઈ છે. ખાસ કરીને કાપડ ઉદ્યોગને સૌથી માઠી અસર પહોંચી છે. કેટલાક એવા પણ વેપારીઓ છે, જેઓ આ ધંધો છોડી અન્ય ધંધા તરફ વળ્યા છે. ક્યાંક ને કયાંક વેપારીઓએ ખરીદીની આશા છોડી દીધી હતી.
જાે કે આ વચ્ચે તેમના માટે આશાનું કિરણ જાેવા મળ્યું છૅ. ખાસ કરીને દક્ષિણ ભારતમાં એક માસ સુધી ઉજવવામાં આવતા આડીની સીઝનને લઈને કાપડ ઉદ્યોગમાં ખરીદી નીકળી છે. લગભગ એક વર્ષ બાદ સુરતના કાપડ માર્કેટમાં હલચલ જાેવા મળી રહી છે. આંધ્રપ્રદેશ, તેલંગણા અને ખાસ કરીને હૈદરાબાદના વેપારીઓ જથ્થામાં ઓર્ડર આપી રહ્યા છે. સોશિયલ મીડિયા થકી અને રૂબરૂ આવીને સુરતના સાડીના વેપારીઓને દક્ષિણ ભારતના વેપારી ઓર્ડર આપતા થયા છે. કોરોનામાં લોકડાઉનના કારણે જે સાડીઓનો જથ્થો એક પ્રકારે સીઝ થઈ ગયો હતો, તે પણ હવે આડીની ડિમાન્ડના કારણે નીકળવા લાગ્યો છે.