સુરતના કાપોદ્રામાં દારૂના અડ્ડા ઉપર જનતા રેડ
સુરત: કાપોદ્રાના આનંદનગર વિસ્તારમાં દારૂના ખુલ્લેઆમ વેચાણથી લોકો પરેશાન હતા. ઘણીવાર પોલીસમાં ફરિયાદ કરવા છતાં પણ કોઇ પગલાં લેવામાં આવતા ન હતા. અહીં એક ઘરમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરવામાં આવતું હતું. અહીં દારૂ પીનારા લોકોની ભીડ રહેતી હતી. ઘણીવાર દારૂને લઇને ઝઘડા થતા હતા, જેના લીધે ઘણીવાર મામલો મારઝૂડ સુધી પહોંચી જતો હતો. જેથી આસપાસના રહેવાસીઓ ખૂબ જ પરેશાની અનુભવી રહ્યા હતા. જેમાં મહિલાઓ સૌથી વધુ પરેશાન હતી.
સમસ્યા એ હતી કે પોલીસ સાંભળવા માટે તૈયાર ન હતી. આખરે લોકોએ કંટાળીને તેનો ઉકેલ કાઢવાનો રસ્તો શોધી કાઢ્યો. તેમણે સ્થાનિક કોર્પોરેટરને મળીને આનંદનગર વોર્ડ નંબર ૪ના આવાસમાં ત્રાટકી મોટી માત્રામાં દારૂ ઝડપ્યો અને પોલીસના હવાલે કરી દીધો. સ્થાનિક કોર્પોરેટરએ કહ્યું હતું કે લોકો ઘણીવાર આ અંગે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા.
પરંતુ કોઇ કાર્યવાહી કરવામં આવે ન હતી. એટલા માટે દારૂ વેચનાર કોઇપણ જાતના ડર વિના દારૂ વેચતો હતો. ઘટના બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે ચાર બોરી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે દારૂ વેચનાર બે મહિલાની પણ ધરપકડ કરી છે. પોલીસે કહ્યું હતું કે આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે કે આ વિસ્તારમાં બીજે ક્યાં ક્યાં દારૂ વેચવામાં આવી રહ્યો છે.