Western Times News

Gujarati News

સુરતના કારીગરે લોકડાઉનમાં બનાવેલ કાપડના મશીનથી સ્મૃતિ ઈરાની ઈમ્પ્રેસ થયા

સુરત: સુરત સરસાણા ખાતેે સિટેક્ષ એક્સપોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેનું ઉદઘાટન કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવ્યું હતું. આ વચ્ચે સ્મૃતિ ઈરાનીએ એક્સપોના વક્તવ્યમાં એક સ્ટોલ ધારકના વખાણ કર્યા હતા. મૂળ મહારાષ્ટ્રના અને છેલ્લા ૧૨ વર્ષથી સુરતમાં રહેતા ચંદ્રકાંત પાટીલના કામથી સ્મૃતિ ઈરાની પ્રભાવિત થયા હતા.

તેમણે ચંદ્રકાંત પાટીલ સાથે વાત કરીને તેમના કામ વિશે જાણ્યું હતું. ચંદ્રકાંત પાટીલે ધો ૧૦ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ લુમ્સના કારખાનામાં મજૂરી કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન લોકડાઉનના કારણે તેઓ બેકારીનું જીવન ગુજારવા લાગ્યા હતા.

લોકડાઉનમાં ઘરે બેસી રહેવા કરતા ચંદ્રકાંતભાઈને પોતાની હુન્નર બતાવવાનો વિચાર આવ્યો. તેઓએ બે મહિનાની મહેનતના અંતે એક કાપડનું મશીન બનાવ્યું, જે અન્ય મશીનો કરતા સાવ સસ્તુ છે. જે મશીનના માર્કેટ કિંમત ૪૮ લાખ રૂપિયા છે, ત્યાં તેમણે માત્ર ૨૪ લાખમાં બનાવ્યું.

હાલ સુરતના સિટેક્ષ એક્સ્પોમાં તેમણે આ મશીન વેચવા માટે મૂક્યું છે. આ મશીનનો આઈડિયા કેવી રીતે આવ્યો અને તેને કેવી રીતે બનાવ્યું તે વિશે ચંદ્રકાંત પાટીલે જણાવ્યું કે, મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ ઉપયોગ કરી તેમણે સુરતના અલગ-અલગ વિભાગમાંથી મશીનને લગતા ટુલ્સ મંગાવ્યા હતા.

વીડિયો જાેઇને મશીન બનાવવામાં તેમને મોટી મદદ મળી હતી. અંદાજિત ૨૦૦ થી વધુ વાર યુટ્યૂબ પર તેમણે વીડિયો પ્લે કરી મશીન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત આ દરમિયાન તેમની પાસે મશીનના પૂરતા રૂપિયા પણ ન હતા. જેથી તેમને પોતાની પત્નીના દાગીના ગિરવે મૂકી તથા વ્યાજે રૂપિયા લઇ આ મશીન બનાવવામાં આવ્યું હતું. આ મશીનની ખાસિયત એ છે કે, માર્કેટમાં આ મશીનની કિંમત રૂપિયા ૪૮ લાખ છે. જ્યારે કે, મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટથી બનાવાયેલા આ મશીનની કિંમત માત્ર ૨૪ લાખ રૂપિયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.