સુરતના ચલથાણ નજીક લક્ઝરીએ મોટર સાઈકલને અડફેટે લીધીઃ ૨ મોત
સુરત : રાજ્યના મોટા શહેર નજીકના હાઈવે પર ટ્રાફિક વધતાં અકસ્માતો વધવા લાગ્યા છે. ખાસ કરીને શહેરની બહાર નોકરી ધંધા માટે ટુ વ્હીલર પર કામના સ્થળે આવતા જતાં હોય છે અને હાઈવે પર પૂરપાટ ઝડપે જતી બસો કે લકઝરીની અડફેટનો ભોગ બનતા હોય છે.
દક્ષિણ ગુજરાતમાં મુંબઈ- સુરત હાઇવે પર પણ આવી પરિસ્થિતિ રહે છે. ઔદ્યોગીક તરીકે વિકાસ પામેલા સુરતની આસપાસના વિસ્તારના લોકો હાઈવે પર મુસાફરી કરી સુરત સુધી આવતાં જતાં હોય છે અને અકસ્માતનો ભોગ બને છે. આવો જ એક બનાવ આજે સુરત નજીક ચલથાણ પાસે બન્યો હતો. સુરતના પલસાણામાં આવેલા ચલથાણ ગામ પાસે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનના મોત નીપજ્યા છે.
ચલથાણ ગામે જીજે૧૪ટી૦૯૩૨ લક્ઝરી બસે એક મોટર સાયકલને અડફેટે લેતા ઘટના સ્થળે જ બે બાઇક સવાર યુવાનોના મોત થયા હતા. બાઈક લકઝરીની નીચે આવી જતાં બંને યુવાનોના મોત થયા હતા. અકસ્માત થતાની સાથે જ લક્ઝરીનો ચાલક ફરાર થઈ ગયો હતો. અમરેલી આરટીઓ રજીસ્ટ્રેશનની આ ખાનગી બસે બે સુરતના યુવાનોનો ભોગ લીધો હતો. ઘટનાની જાણ થતા જ કડોદરા પોલીસ અકસ્માત સ્થળે પહોંચી અને પ્રાથમિક કાર્યવાહી હાથધરી હતી. મૃતકોની ઓળખ કરી અને તેમના સગા વહાલાને જાણ કરવામાં આવશે. પોલીસે મૃતકોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.