સુરતના જંહાગીરપુરામાં સંતાન ન થતાં ભુવા પાસે ડામ અપાવતાં પત્નિનો આપઘાત
દોઢ વર્ષના પ્રેમલગ્નનો કરૂણ અંજામ આવ્યો
સુરત, સુરતના જંહાગીરપુરા વિસ્તારમાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પત્નીને સંતાન નહી થતા હોવાથી પતિએ ભુવા પાસે તેણીને ડામ અપાવતાં ગભરાઇ ગયેલી પત્નીએ માનસિક આઘાતમાં આત્મહત્યાનું અંતિમ પગલુ ભર્યું હતું. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી, બીજીબાજુ, રાજયભરમાં ફરી એકવાર અંધશ્રદ્ધાના આ પ્રકારના બનાવને પગલે ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા હતા. હાલ તો પોલીસે આરોપી પતિની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કોમલે દોઢ વર્ષ પહેલાં દિપક રાઠોડ નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પરિવાર સાથે રહેતી હતી. લગ્નજીવન દરમ્યાન સંતાન નહી થતા તેના પતિ દ્વારા સ્થાનિક ભુવા સાથે ડામ અપાવ્યા હતા.
જેથી કોમલ આઘાતમાં સરી પડી હતી અને બહુ ડરી ગઇ હતી. જેને પગલે ગંભીર ડિપ્રેશનમાં તેણીએ તા.પ મી જૂલાઇના રોજ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો મૃતકની માતાએ આક્ષેપ કર્યો હતો. મૃતકની માતાએ પોતાના જમાઇ વિરુદ્ધ આ સમગ્ર મામલામાં ગઇકાલે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ અંગે જરૂરી ગુનો નોંધી આરોપી પતિ દિપક રાઠોડની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પતિની વધુ પૂછરછ હાથ ધરી હતી.
પરિવારે આક્ષેપ કર્યો હતો કે, કોમલ પર પતિ દિપકને આડાસંબંધનો વહેમ હતો. જેથી તે માનસિક ત્રાસ પણ ગુજારતો હતો. કોમલને સાપરીયાની બીમારી હતી જેને લીધે તેને પ્રેગ્નન્સી રહેતી ન હતી. જેથી ગણદેવી નજીક ભુવા પાસે ડામ અપાવવા લઈ ગયા હતા. અને ચાર ડામ આપ્યા હતા. જેથી કોમલ આઘાતમાં સરી પડી હતી અને તેણે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને અંધશ્રધ્ધાના આ પ્રકારના વધુ એક બનાવને લઇ રાજયમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.