સુરતના ટીમ્બા ગામ પાસે તાપીમાં ન્હાવા પડેલા ૩ સગીર મિત્રો પૈકી એક ડૂબી ગયો
સુરત : હાલમાં દિવાળીનું વેકેશન હોવાથી સુરતની અમરોલીના ૬ મિત્રો ટીમ્બા ગામે ઓટો રિક્ષા ભાડે કરીને આવ્યા હતા. ટીમ્બા અને બોધન વચ્ચેના તાપી નદી પુલ નીચે ન્હાવા જતા એક સગીર ડૂબી ગયો હતો. જ્યારે બીજા ન્હવા પડેલા ૨ સગીર મિત્રોને બચાવી લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર સુરત અમરોલી વિસ્તારમાં આવેલી મનીષ સોસાયટીમાં રહેતો યુવાન મેહુલ લક્ષ્મણભાઈ પરમાર (૧૫), ધર્મેશ કિશોરભાઈ કંથારીયા (૧૪), યશ નરસિંહભાઈ પાન્ડોર (૧૫) તથા બીજા ત્રણ મિત્રો હાલમાં સ્કૂલમાં દિવાળી વેકેશન હોવાથી વેકેશનની મજા માળવા માટે સોસાયટીમાંથી ઓટો રિક્ષા ભાડે કરીને કામરેજ તાલુકાના ટીમ્બા ગામે ગલતેશ્વર મહાદેવ મંદિરે આવ્યા હતા. ત્યાંથી ઓટો રિક્ષા રોડ ઉપર રીક્ષા ચાલક પાસે ઉભી રખાવી હમણાં આવીએ છીએ કહીને ૬ મિત્રો ટીમ્બા બોધન વચ્ચે તાપી નદી ઉપર ના પુલ નીચે ન્હાવા માટે ગયા હતા.
જેમાં મેહુલ પરમાર તાપી નદીના પાણી ડૂબવા લાગતા, ધર્મેશ અને યશ બચાવા માટે જતા તે પણ ડૂબવા લાગતા ત્યાં આગળ સ્થાનિક લોકોએ યશ અને ધર્મેશને બચાવી લીધા હતા. પરંતુ મેહુલને બચાવી શક્યા ન હતા. જે અંગે કામરેજ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસની ટીમને જાણ કરતાં ફાયર ઓફીસર પી. સી. પટેલ પોતાની ટીમ સાથે ટીમ્બા ખાતે દોડી ગયા હતા. અન્ય સ્થાનિક તરવૈયા સાથે યુવાનની શોધખોળ આદરી હતી પણ કોઈ પત્તો લાગ્યો ન હતો.
ગલતેશ્વર મંદિરના સંચાલકો લોકોને ન્હાવા માટે કુંડ બનાવામાં આવ્યો હતો. પરતું કુંડ બંધ હતો. જેનાં કારણે ૬ મિત્રો નાહવા માટે નદીમાં ગયા હોવાનું લોકોમાં ચર્ચા થતી હતી. તાપી નદીમાં ન્હાવા માટે ગયેલા ૬ મિત્રોને સ્થાનિક લોકોએ તાપી નદીમાં ઘણુ પાણી હોવાથી ના કહ્યું હતું, છતાં પણ ન્હાવા માટે ગયા હતા.