Western Times News

Gujarati News

સુરતના ડભોલીમાં સ્કુલ વાન પલ્ટી ગઈ

ચાર બાળકો ઘાયલ

સ્પીડમાં જતી ઇકો ઊંધી વળીને ઢસડાતા સ્કુલે જતા બાળકોની ચિચિયારીઓ સાંભળી લોકો દોડી આવ્યા

નવી દિલ્હી,શહેરનાં ડભોલી ખાતે આજે એક ખાનગી શાળાની સ્કુલ વાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. બેફામ સ્પીડમાં જતી વાનના ડ્રાઈવરથી કંટ્રોલ નહીં રહેતા વાન પલ્ટી થઈને ઊંધી વળી ગઈ હતી. રસ્તા ઉપર વાન ઢસડાઈ હતી. તેમાં સવાર બાળકોની ચિચિયારીઓને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતાં. આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતાં અને વાનમાં બેઠેલા બાળકોમાંથી વધારે ઇજા પામેલા ચાર બાળકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર શહેરમાં ડભોલી વિસ્તારમાં આવેલી વાત્સલ્ય સ્કુલની વાન આજે સવારે અકસ્માતનો ભોગ બની હતી.

વિદ્યાર્થીઓને લઈ સ્કુલ વાન ઈકો (જીજે-૦૫-આરક્યૂ-૧૫૫૪) સ્કૂલ તરફ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. સ્કૂલ વાન પૂર ઝડપે દોડી રહી હોઇ તે રસ્તા પર પલટી મારી ગઈ હતી.વાન પલટી મારી જતાં વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી હતી. નાના બાળકો રડવા લાગ્યા હતા. સ્કૂલ વાન રસ્તા પર ઊંધી થઈ ગઈ હતી. વાનના કાચ ફૂટી ગયા હતા. અકસ્માતને પગલે વાનમાં સવાર બાળકોની ચિચિયારીઓથી આસપાસનું વાતાવરણ સમસમી ગયુ હતું.બાળકોનો આક્રંદ સાંભળી રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકો અને આસપાસમાં રહેતા સ્થાનિકો દુર્ઘટના સ્થળે ધસી આવ્યા હતા. લોકોએ વિદ્યાર્થીઓને ઊંધી પડેલી વાનમાંથી બાળકોને બહાર કાઢ્યા હતા.

વાનમાં સવાર ૪ વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.રાહદારીઓએ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં સિંગણપોર પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ સૂત્રોનું કહેવું હતું કે, એક લાલ રંગની પોલો કારના ચાલકે ટક્કર મારતા સ્કૂલ વાન પલટી મારી ગઈ હતી તેવુ ડ્રાઈવરનું કહેવું છે. જોકે, અમે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી રહ્યાં છીએ.બીજી તરફ વાનમાં સવાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાની જાણ થતાં જ વાલીઓમાં પણ વાન ચાલક વિરુદ્ધ રોષ ફેલાયો હતો. વાલીઓ પણ હોસ્પિટલમાં ધસી ગયા હતા. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.