સુરતના ડુમસમાં રાત્રી કર્ફ્યૂમાં ટેમ્પામાં ત્રણ બાઈક મૂકીને ચોરી કરી તસ્કરો ફરાર
સુરત: સુરતમાં વાહન ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે વાહન ચોરી માટે લોકો હથિયારનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ અહી ચોરો ટેમ્પામાં મુકીને ત્રણ બાઈક ચોરીને લઈ ગયા હતા. એક તરફ સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે રાત્રી કર્ફ્યૂ અમલમાં છે પરંતુ ચોરો માટે રાત્રી કર્ફ્યૂ ન હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે ડુમસ ખાતે રાત્રી કર્ફ્યૂ દરમિયાન ટેમ્પામાં આવેલા ચોરો ત્રણ બાઈક ઉંઠાવી ગયા હતા. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જાે કે મોડી રાત્રે બનેલી આ ચોરીની ઘટનાને લઈ પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા થયા છે.
સુરતનાં ડુમસ વિસ્તારમાં વાહન ચોરીની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે કોઈ સાધન વડે બાઈક કે કારનું લોક તોડીને વાહનો ચોરી થવાની ઘટનાઓ તો આપણે અનેકવાર જાેઈ હશે. પરંતુ ડુમસ વિસ્તારમાં બનેલો બાઈક ચોરીની ઘટનામાં ચોરી ટેમ્પામાં ત્રણ બાઈક મૂકી ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા.આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ડુમસ પોલીસે ચોરીની ઓળખ થયા બાદ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
એક અવાઠવાડિયા પહેલા બનેલી બાઇક ચોરીમાં પોલીસ ઢીલી તપાસને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. તો આ અંગે ડુમસ મોટા બજાર દરી ફળિયામાં રહેતા સુફિયાન સમીરભાઈ કાપડિયા એ જણાવ્યું હતું કે, તેઓ ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે.ગત તા. ૨૭મીએ સાંજે તે પોતાની બાઈક પર ફરવા ગયો હતો. ત્યારબાદ રાત્રીના સમય એ બાઈક ઘર આંગણામાં પાર્ક કરી ઊંઘી ગયો હતો. બીજા દિવસે સવારે ઘર આંગણામાં મુકેલી બાઈક ન દેખાતા આજુબાજુ તપાસ કરી હતી, પરંતુ ક્યાંય બાઈક મળી આવી નહોતી.
સ્થાનિક વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરાતા બે ઇસમો તેની બાઈકને ધક્કો મારી લઈ જતા દેખાતા હતા. તેમણે આગળ જઈ ટેમ્પા નજીક ઊભેલા અન્ય એક યુવકની મદદથી બાઈક ટેમ્પોમાં મૂકી હતી. આગળ જતા આ ટેમ્પો ડીપીએસ સ્કૂલ પાસેથી પસાર થતાં સીસીટીવી કેમેરામાં દેખાય છે.
આ મામલે સુફિયાને ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે, રાત્રી કરફ્યૂના નામ પર પ્રજાને રંજાડતી પોલીસને ટેમ્પોમાં બાઈક ચોરી જનારા તસ્કરો કેમ દેખાયા નહી? તે મોટો પ્રશ્ન ઊભો થાય છે. આ ઘટના પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા કરી રહી છે.