સુરતના ત્રણ યુવાનો હરિદ્વાર ગંગા નદીમાં ડુબ્યા
1નું મોત, 2નો કોઈ પત્તો નહી-ગુજરાતથી 15 યુવાનોની ટીમ શિવપુરી ફરવા માટે ગઈ હતી.
સુરતના ત્રણ પરિવાર પર અચાનક આફત આવી પડી છે. સુરતના ત્રણ યુવક ઋષિકેશમાં શિવપુરીના નજીક ગંગામાં નાહવા સમયે ડુબી ગયા. ગઈકાલે મોડી સાંજે પોલીસે રેસક્યુ અભિયાન ચલાવી એક યુવકની લાશ શોધી કાઢી છે. જ્યારે બે યુવાનોને શોધવા માટે શનિવાર સવારથી રેસક્યૂ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ, આ સમાચાર લખાય ત્યાં સુધી કોઈ પત્તો નથી લાગ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતથી 15 યુવાનોની ટીમ શિવપુરી ફરવા માટે ગઈ હતી. આ દરમ્યાનસાંજે 4 કલાકની આસપાસ સુરતના ત્રણ યુવોક ગંગામાં નાહ્વા માટે ગયા. નાહ્વા દરમ્યાન તેમાંથી એક યુવક ફેનિલ ઠક્કર (22)નો અચાનક પગ લપસ્યો અને તે ગંગાના વ્હેણમાં તણાવા લાગ્યો.
પોતાના મિત્રને પાણીમાં તણાતો જોઈ તેને બચાવવા તેની સાથે ન્હાવા ગયેલા બે યુવાનો કુનાલ કૌસાડી અને જેનિસ પટેલ પણ ગંગાના ઝડપી વ્હેણમાં કૂદી પડ્યા. ત્યારબાદ ત્રણે યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની જાણ તંત્રને થતા ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ અને એસડીઆરએફએ મોડી સાંજ સુધી રેસ્ક્યુ અભિયાન ચલાવ્યું અને એક યુવક ફેનિલ ઠક્કરની લાશ મળી આવી છે. શિવપુરી ચોકીના અધિકારી નીરજ રાવતે જણાવ્યું કે, અંધારૂ વધારે હોવાના કારણે રેસ્ક્યુ અભિયાન રોકવું પડ્યું. બાકી બંને યુવકોની શોધખોળ આજે શનિવારે સવારથી ફરી શરૂ કરી દેવામાં આવશે.