સુરતના ધનરાજ ડેવલપર્સે ૩૨ રોકાણકારનું કરોડોનું ફુલેકું ફેરવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Cash-1.jpg)
પ્રતિકાત્મક
સુરત, સાયણમાં ફ્લેટમાં રોકાણના નામે ૩૨ લોકો પાસે કરોડો રૂપિયા લઈ તે જમીન બીજાને વેચી ઠગાઈ કરનાર ધનરાજ ડેવલપર્સના ૩ ભાગીદાર સહિત ૫ સામે ગુનો નોંધાયો છે.
ક્રાઈમ બ્રાંચના જણાવ્યા મુજબ આરોપી હસમુખ લખમણ બેડ (રહે.પ્રમુખપાર્ક સોસાયટી, પુણા, મૂળ અમરેલી), મિલન મનસુખ પાંભર, પરેશ સરધારા (બંને રહે.ધનંજય પેરેડાઈઝ, રાજકોટ)એ મે.ધનરાજ ડેવલપર્સ નામથી ભાગીદારી પેઢી શરૂ કરી સાયણમાં નિલકંઠ ટાઉનશીપ પ્રોજેક્ટ ચાલુ કર્યાે હતો. લોકોએ તેમાં ફ્લેટ બુક કર્યા હતા.
જેમાં ફરિયાદી જયેશ વસંતરાય ધાનક (રહે.સાંસ્કૃત રેસિડેન્સી સરથાણા)ના પિતાએ ૨૧.૨૦ લાખ, જયેશ ધાનકની પત્ની રિનાએ ૧૫.૯૦ લાખ, જયેશના ભાભી રૂપલબેને ૧૫.૯૦ લાખ મળી કુલ ૧૦ ફ્લેટના ૫૩ લાખ આપ્યા હતા. અન્ય ૨૯ લોકોએ પણ ફ્લેટ બુક કર્યા હતા.
બીજા અંદાજે અઢી કરોડ ગઠિયાઓએ લીધા બાદ કોઈને ફ્લેટ ન આપી જમીન જયેશ જયંતી પાંભર (રહે.ધનંજય પેરેડાઈઝ, રાજકોટ)અને પિન્ટુ પરસોત્તમ પણસરા (રહે.તાપસ સોસાયટી, રાજકોટ)ને વેચી હતી. આરોપીઓ પુણામાં ઓફિસ બંધ કરી નાસી ગયા હતાં.
જયેશ પાંભર અને પિન્ટુ પણસરાને ખબર પડી કે સાયણમાં નિલકંઠ ટાઉનશિપના નામે હસમુખ, મિલન અને પરેશે પ્રોજેક્ટ શરૂ કર્યાે છે. તેમાં લોકોએ રોકાણ કર્યું છે. બંનેએ તે જમીન ખરીદી હતી.