સુરતના પોશ વિસ્તારમાં માતા-પુત્ર કરતાં હતાં આવું કામ, ક્રાઈમ બ્રાંચે ઝડપ્યા
(એજન્સી)સુરત, હિમાચલ પ્રદેશથી ચરસ લાવી સુરતમાં વેચાણ કરતા નવસારી જલાલપોરના માતા પુત્રને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી ૨૩૫ ગ્રામ ચરસ નો જથ્થો મળી આવતા તેમના નવસારી જીલ્લા એલસીબીની સાથે તેમના ઘરે રેઈડ કરતા વધુ ૧૫૬૦ ગ્રામ ચરસ સાથે મહિલાના પતિ અને બીજા પુત્રને પણ ઝડપી લીધા હતા.
હિમાચલ પ્રદેશથી ચરસ લાવી પોતાના ઘરમાં છુપાવી સુરતના પોશ વિસ્તારમાં વેચતી હતી. સુરતમાં ડ્રગ્સના વેચાણમાં થઇ રહેલા વધારાના કારણે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. પોલીસ સતત ચરસ અને ડ્રગ્સ વેંચતા પેડલરો પર બાજ નજર રાખી બેઠી હતી. દરમિયાન ક્રાઇમબ્રાન્ચ ને બાતમી મળી હતી
કે વેસુ વિસ્તાર માં માતા પુત્ર મોપેડ પર ચરસ વેચવા ફરી રહ્યા છે. જે બાતમીના આધારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ડુમસ રોડ લકઝરીયા ટ્રેડ હબ પાસેથી મોપેડ પર આવેલા ૨૨ વર્ષીય ઉત્સવ રમેશભાઈ સાંગાણી અને પાછળ બેસેલી તેની માતા શાન્તાબેન ઉર્ફે શીતલને અટકાવી હતી.
જેમની જડતી લેતા શાન્તાબેન ઉર્ફે શીતલના પર્સમાંથી રૂ.૩૫,૩૪૩ ની મત્તાનો ૨૩૫ ગ્રામ ચરસનો જથ્થો મળ્યો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચે ચરસ ઉપરાંત મોપેડ, મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ.૧,૧૩,૩૪૩ નો મુદ્દામાલ કબજે કરયો હતો.બાદમાં ક્રાઇમબ્રાંચની એક ટીમને નવસારી મોકલી નવસારી જીલ્લા એલસીબી સાથે તેમના ફ્લેટમાં રેઈડ કરી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચ અને નવસારી જીલ્લા એલસીબીને ત્યાંથી રૂ.૨,૩૪,૯૦૦ ની મત્તાનું ૧૫૬૦ ગ્રામ ચરસ, રોકડા રૂ.૧,૯૫,૩૦૦, વજનકાંટો, કોથળીઓ મળી કુલ રૂ.૪,૬૧,૮૧૦ નો મુદ્દામાલ મળ્યો હતો. પોલીસે ત્યાંથી શાન્તાબેન ઉર્ફે શીતલના પતિ રમેશભાઈ સાંગાણી અને બીજા પુત્ર દર્શનની પણ ધરપકડ કરી હતી.