સુરતના ભાઠેનામાં પીવાનું પાણી ગંદુ આવતા રહીશોમાં રોષ

Files Photo
ડ્રેનેજનું ભળી ગયેલું પાણી આવતું હોવાથી તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ
સુરત, ભાઠેના વિસ્તારમાં આવેલા ટી.પી.૭(આંજણા) લિંબાયાત ઝોનની શિવ દર્શન અને ઉષાનગર સોસાયટીના રહિશો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી કલરવાળું, ગંદુ અને વાસ મારતું આવતું હોવાથી સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
વારંવારની ફરિયાદ છતાં નિરાકરણ ન આવતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આ મામલે હજુ સુરત મહાનગર પાલિકા તંત્ર કઈ બોલવા તૈયાર નથી. ડ્રેનેજનું ભળી ગયેલું પાણી આવતું હોવાથી તાત્કાલિક નિરાકરણ લાવવા રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે.
શિવ દર્શન સોસાયટી,ઉષા નગર પાસેની આ સોસાયટીમાં આશરે ૨૮ ગાળા ટાઈપના મકાનો છે.આ મકાનોમાં છેલ્લા ૧ મહિનાથી પીવાનું પાણી કલરવાળું,ગંદુ અને વાસ મારતું આવે છે.સ્થાનિકો ઘણી મુશ્કેલી સહન કરી રહ્યા છે.જેની ફરિયાદ સ્થાનિકો ઉપરાંત મારા દ્વારા ઝોન કક્ષાએ ૫ વાર કરવામાં આવી છે.
ફરિયાદ બાદ છેલ્લા ૧૫ દિવસથી આ સોસાયટી અને આજુબાજુના નજીકના વિસ્તારમાં ઝોન દ્વારા ખોદકામ થયું,દેખાવ પૂરતી કામગીરી થઈ પરંતુ કહેવાતા “સ્માર્ટ” વહીવટનું પરિણામ હજુ સુધી શૂન્ય રહ્યું છે. સ્થાનિક લોકોની ફરિયાદ સાથે કહ્યું કે, આજદિન સુધી કોઈ સંતોષકારક નિવેડો આવ્યું નહિ.આ ઉપરાંત ઝોનમાં ડ્રેનેજ બાબતની અસંખ્ય ફરિયાદોનું કાયમી ઉકેલ આવતું નથી.
મ્યુનિસિપલ કમિશ્નરને વિનંતી છે કે,લીંબાયત ઝોનના અધિકારીઓ જો આવી સામાન્ય પ્રાથમિક સુવિધાઓ આપવામાં સાવ નબળા અને નિષ્ફળ રહ્યા છે તો આપના માર્ગદર્શન હેઠળ સક્ષમ અધિકારીઓ મારફત પ્રાથમિક સુવિધાઓની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરાવો.