સુરતના માથાભારે સજ્જુ કોઠારીની મુંબઈથી ધરપકડ
ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયા બાદ નાનપુરાનો માથાભારે સજજુ કોઠારી મુંબઈ ભાગી ગયો હતો
અમદાવાદઃ સુરતના માથાભારે કહેવાતા સજ્જુ કોઠારીની એટીએસે ધરપકક કરી છે. કોઠારી ગેંગ સામે ફેબ્રુઆરી મહિનામાં ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી. એટીએસની ટીમે મુંબઈની હોટલ ખાતેથી સજ્જુ કાઠોરીને ધરપકડ કરી છે. સજ્જુ હોટલમાં રોકાયો હતો. આરોપી સજ્જુ કોઠારી ગેમ્બલિંગ ક્લબ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
સજ્જુ અને તેની ગેંગ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી જેવા અનેક ગુના નોંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે સજ્જુને તેની સામે ગુનો નોંધાશે તેવો અંદાજ આવી ગયો હતો. જે બાદમાં તે ગુજરાત છોડીને ભાગી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે સજ્જુ કોઠારી ગેંગના સભ્યો સામે ૧૫થી વધુ ગુના નોંધાયેલા છે.
એવી પણ માહિતી સામે આવી છે કે સજ્જુ કોઠારીએ એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી હતી. આ ફિલ્મમાં તેણે વિલનનો રોલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયા બાદ નાનપુરાનો માથાભારે સજજુ કોઠારી મુંબઈ ભાગી ગયો હતો. ૧૦મી ફેબુઆરીના રોજ સજ્જુ સહિત આઠ લોકો સામે ગુનો દાખલ થયો હતો.
સજ્જુ હાલ પોલીસની પકડમાં આવ્યો છે ત્યારે તેની ગેંગના યુનુસ કોઠારી, જાવીદ ગુલામ મલેક, મોહંમદ આરીફ શેખ, આરીફ શેખ અને મોહંમદ કાસીમ અલી પહેલાથી જ લાજપોર જેલમાં છે. સજ્જુ સામે અગાઉ પાસા અને તડીપાર સહિતની કાર્યવાહી થઈ ચુકી છે. સજ્જુનો ભાઈ પણ વોન્ટેડ છે. સુરતમાં સજ્જુ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. ૨૦૧૮ના એક કેસમાં સજ્જુએ સુરતના બે પોલીસકર્મીઓને પણ માર માર્યો હતો.