સુરતના રત્ન કલાકારે મૃત્યુ પહેલાં અમદાવાદના વ્યક્તિને લિવર આપ્યું
લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના વ્યક્તિમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ. વૈભવ સુતરીયા અને તેમની ટીમ દ્વારા કરાયું
સુરત, સુરતમાં વધુ એક વાર એક બ્રેઇન્ડેડ રત્નકલાકારના ફેફસા, લીવર સહિતના અંગોનું દાન કરી ૫ લોકોને નવજીવન આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતથી ચેન્નાઈનું ૧૬૧૦ કિ.મીનું અંતર માત્ર ૧૬૦ મિનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ઈન્દોરની રહેવાસી ૫૧ વર્ષીય મહિલામાં કરાયું છે. આ ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની સ્ય્સ્ હોસ્પિટલમાં કરવામાં આવ્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના ૫૪ વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે.
સુરતમાં રહેતા મનસુખભાઈને સોમવાર ૨ ઓગસ્ટના રોજ રાત્રે ૮.૩૦ કલાકે બ્રેઈનસ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. જેના બાદ તેમના પરિવારજનોએ તેમને તાત્કાલિક કામરેજમાં આવેલ સ્ટાર હોસ્પિટલમાં લઈ ગયા હતા. નિદાન માટે સિટી સ્કેન અને MRI કરાવતા તેમને લકવાનો હુમલો થયો હોવાનું નિદાન થયું હતું.
ત્યાંથી વધુ સારવાર માટે વિનસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહી તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન ખેંચ આવતા નિદાન માટે સિટી સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
તેના બાદ શુક્રવારે ૬ ઓગસ્ટના રોજ ડોક્ટરોએ મનસુખભાઈને બ્રેનડેડ જાહેર કર્યા હતા. ત્યારે ડોનેટ લાઈફની ટીમે મનસુખભાઈના પત્ની રીટાબેન તેમજ પરિવારના અન્ય સભ્યોનો સંપર્ક કર્યો હતો. તેમણે પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવ્યુ હતું. આખરે પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો ર્નિણય લીધો હતો.
આ બાદ દાનમાં મેળવવામાં આવેલા ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ ઇન્દોરની રહેવાસી ૫૧ વર્ષીય મહિલામાં ચેન્નાઈની સ્ય્સ્ હોસ્પિટલમાં ડૉ.બાલા ક્રિષ્ણન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ૫૪ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRCમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ. વૈભવ સુતરીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
જ્યારે દાનમાં મેળવવામાં આવેલી કિડનીમાં લોહીના ગઠ્ઠા જમા થઇ ગયા હોવાને કારણે બંને કિડની ખરાબ થઇ ગઈ હતી. તેને કારણે કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું નહોતું. ફેફસાં, કિડની અને લિવર સમયસર ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા, જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.