સુરતના સાયણમાં બે દિવસમાં ઝાડા-ઊલ્ટી-તાવના ૧૫૦થી વધુ કેસ
સુરત, સુરત જિલ્લામાં સાયણના આદર્શનગર ૨ અને ૩માં તૂટેલા ગટરલાઈન અને સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીને કારણે પીવાનું પાણી દૂષિત થતાં બે જ દિવસમાં ઝાડા ઉલ્ટીના ૧૫૦થી વધુ કેસ નોંધાયા છે. જેમાં આદર્શનગર-૩માં રહેતા એક ૫ વર્ષના બાળક અમન કમલેશ રાયનું ઝાડા ઉલ્ટી અને તાવ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત વર્ષ બાદ ફરી આ વર્ષે પણ સાયણમાં રોગચાળો વકર્યાે છે.
ગામના નીચાણવાળા અને પરપ્રાંતીય શ્રમિકોની વસ્તી ધરાવતા આદર્શનગર ૧,૨ અને ૩માં સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કામગીરી ન થવા ઉપરાંત ડ્રેનેજની લાઈનોનું સમયસર રીપેરીંગ કે ગંદકી યુક્ત પાણીનો નિકાલ ન થતા મચ્છરોને ઉપદ્રવ થાય છે.
આટલું જ નહિ પણ અહીં પીવાના પાણી અને ડ્રેનેજની પાઈપલાઈન એકસાથે જ નાંખવામાં આવેલી હોવાથી ડ્રેનેજના પાણી પીવાના પાણીની લાઈનમાં ભળતાં પીવાનું દૂષિત પાણી આવે છે. આદર્શનગર-૨ અને ૩ની વાત કરીએ તો અહીં ગ્રામ પંચાયત દ્વારા ડ્રેનેજની પૂરતી વ્યવસ્થા ન કરવા સાથે જે લાઈન નાંખી છે. તે પણ તૂટેલી હાલતમાં હોવાથી મળમૂત્ર વાળા પાણીનો ઠેર-ઠેર જાહેર સ્થળોએ ભરાવો થાય છે.
આ વિસ્તારમાં ફરીવાર રોગચાળો ફેલાતા બે જ દિવસમાં ઝાડા ઉલ્ટીના ૧૫૦થી વધુ કેસો નોંધાયા, જ્યારે ૩ દિવસ અગાઉથી રોગચાળો ફેલાયો હોય અહીંના લોકોએ ગ્રામ પંચાયતને ફરિયાદ કરવા છતાં કોઈપણ પ્રકારે કામગીરી ન કરતા શુક્રવારની રાત્રે અનેક લોકોને સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મોડી રાત્રિથી જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી સ્ટાફને તપાસમાં કામે લગાડવા સાથે બીમાર લોકોને પ્રાથમિક સારવાર આપી હતી. આદર્શ નગર સોસાયટી ૨ અને ૩માં હાલ રોગચાળો ફેલાયો છે જ્યારે અહીં જેવી જ હાલત આજુબાજુની સોસાયટીઓમાં પણ થઈ છે. ત્યારે ઉભરાતી ગટરો અને પીવાના દૂષિત પાણીએ અન્ય સોસાયટીઓમાં પણ રોગચાળો ફેલાવાની રહીશોમાં દહેશત ફેલાઈ છે.