Western Times News

Gujarati News

સુરતના હજીરા ખાતે કે-૯ વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતાં રાજનાથસિંહ

સુરત: ‘આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશમાં રક્ષા ક્ષેત્રે ૭૦ હજાર કરોડનું રોકાણ થશે. જેના થકી કુલ ૧ લાખ ૭૦ હજાર કરોડનું ટર્નઓવર થવાની સાથોસાથ હજારો લોકોને રોજગારીનો અવસર મળશે. એટલે જ, ભારતીય ખાનગી કંપનીઓ તેમની ક્ષમતાઓનો વિસ્તાર કરીને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે તેમાં કેન્દ્ર સરકાર મદદરૂપ બની રહી છે.’ એમ સુરતના હજીરા ખાતે એલ.એન્ડ ટી. કંપની દ્વારા આર્મર્ડ સિસ્ટમ કોમ્પલેક્ષ ખાતે નિર્મિત ૫૧મી કે-૯ વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ કંપનીના યુદ્ધ યુધ્ધ ટેન્ક નિર્માણના અત્યાધુનિક પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. તેમણે ટેંકની ક્ષમતાઓ અને યુદ્ધ સમયની મહત્વની કાર્યશૈલી દર્શાવતું નિદર્શન નિહાળ્યું હતું. આ પ્રસંગે વક્તવ્યના પ્રારંભે મંત્રીશ્રીએ ‘કેમ છો?’ કહીને ઉપસ્થિત સૌનું અભિવાદન કરી સુરતવાસીઓને નવા વર્ષ ૨૦૨૦ અને મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ મોડેલ’(વ્યૂહાત્મક ભાગીદારી મોડલ)ની નીતિ અંતર્ગત ભારતની મહત્વની કોર્પોરેટ કંપનીઓ અને એમએસએમઈ સેક્ટરને સાંકળીને વાઇબ્રન્ટ સંરક્ષણ ઉત્પાદનનું વાતાવરણ ઉભું કરવાની દિશામાં આગળ વધી રહી છે. નવી ડિફેન્સ નીતિ સંરક્ષણ ક્ષેત્રમાં વડાપ્રધાનશ્રીના ‘મેક ઇન ઇન્ડિયા’ના વિઝનને વેગ આપશે. આ નીતિ હેઠળ લડાયક વિમાનો, સબમરીન્સ અને બખ્તરબંધ વાહનોના ઉત્પાદનની કામગીરી માટે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. ડિફેન્સ પોલિસીમાં બદલાવ થવાથી સૌથી વધારે લાભ એમ.એસ.એમ.ઈ. સેકટરને થવાનો છે એમ તેમણે કહ્યું હતું.

ડિફેન્સ અને એરોસ્પેસ સાધનોના ઉત્પાદનમાં નવા આયામો સિદ્ધ કરીને આ ક્ષેત્રે અગ્રેસર રહેવાની નેમ હોવાનું જણાવતાં શ્રી સિંહે ઉમેર્યું કે, એલ એન્ડ ટીના હજીરા પ્લાન્ટના કારણે ૫ હજાર લોકોને પ્રત્યક્ષ અને ૧૫ હજાર લોકોને પરોક્ષ રીતે રોજગારીની તક મળી છે. ભારતમાં ડિફેન્સ પ્રોડ્કશન ક્ષેત્રે પ્રાઈવેટ ક્ષેત્રના રોકાણને આવકારતા શ્રી રાજનાથસિંહે કહ્યું કે, કેન્દ્ર સરકાર સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે. સરકાર માને છે કે, રાષ્ટ્રીય સુરક્ષામાં પબ્લિક સેક્ટરની સાથોસાથ પ્રાઇવેટ સેક્ટર પણ યોગદાન આપી શકે છે.

પહેલાની સરકારોના શાસનમાં રક્ષા ક્ષેત્રમાં ખાનગી કંપનીઓની ભાગીદારી વધારવામાં ઉદાસીન વલણ દાખવવામાં આવતું હતું. પરંતુ વર્તમાન સરકારને દેશની કોર્પોરેટ કંપનીઓની ક્ષમતા પર વિશ્વાસ છે. સંરક્ષણ સાધનો માટે વિદેશો પર આધાર રાખવાના બદલે આત્મનિર્ભર બનવાનો લક્ષ્યાંક સેવ્યો છે. દેશના સીમાડાઓને સુરક્ષિત રાખવા તેમજ મેક ઇન ઇન્ડિયા અભિયાનને વેગ આપવા સાથે સરકાર સ્વદેશી શસ્ત્ર ઉત્પાદનમાં પણ મોખરાનું સ્થાન મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રક્ષા મંત્રાલય દ્વારા આપવામાં આવેલા ૧૦૦ ટેંકના ઓર્ડર પૈકી ૫૦ ટેંકને નિયત સમય પહેલા જ ડિલીવરી આપવા બદલ એલ એન્ડ ટી. કંપનીને અભિનદન પાઠવી મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરતી K9-વ્રજ ટેન્ક ભારતીય સેનાને મજબૂત બનાવશે એમ જણાવ્યું હતું. આ પ્રસંગે એલ એન્ડ ટી કંપનીના ચેરમેનશ્રી એ.એમ.નાઈકે જણાવ્યું કે, અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ ધરાવતા કંપનીના કોમ્પલેક્ષમાં પ્રતિષ્ઠિત K9-વ્રજ ટેન્કનું ઉત્પાદન થઈ રહ્યું છે.

એલ એન્ડ ટી સાઉથ કોરિયન હાન્વ્હા સાથે ટેકનોલોજીના હસ્તાંતરણ સમજુતી કરી છે. જેમાં હાન્વ્હાના એન્જિનીયર્સ અને નિષ્ણાતોની ટીમ સામેલ છે. એલ.એન્ડ.ટીને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલો ૧૦૦ ટેંકનો ઓર્ડર એ આંતરરાષ્ટ્રીય સ્તરે મેક ઈન ઈન્ડિયાની પહેલ હેઠળ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા ખાનગી કંપનીને અપાયેલો સૌથી મોટો કોન્ટ્રાકટ છે. આ પ્રસંગે એલ એન્ડ ટીના સિનીયર ઈ.વી.પી.(ડિફેન્સ અને સ્માર્ટ ટેકનોલોજી) બોર્ડના મેમ્બરશ્રી જે.ડી.પાટિલ. સાંસદશ્રી સી.આર.પાટિલ, મેયરશ્રી જગદીશ પટેલ સહિત સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, ભારતીય સેનાના અધિકારીઓ, કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.