સુરતની આયુષ હોસ્પિટલમાં આગ લાગતા પ લોકોનાં મોત
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણના કેસોના લીધે રાજ્યના મોટા શહેરોની હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે
સુરત, રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણના કેસોના લીધે રાજ્યના મોટા શહેરોની હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે. ત્યારે પડતામાં પાટુ માફક સુરતના ડોક્ટર હાઉસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. ડોક્ટર હાઉસમાં આવેલી આયુષ હોસ્પિટલમાં એસીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી.
ત્યારે આ ઘટનામાં પાંચ કોરોના દર્દીઓના મોત થયા છે. સુરત શહેરના ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલી આયુષ હોસ્પિટલના પાંચમાં માળે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જાે કે, આ ઘટનાને પગલે ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી.
જે બાદ ૬ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ ૧૯ કોરોના દર્દીઓને રેસ્ક્યૂ કરાયા હતા. જાે કે તમામ દર્દીઓને સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
દર્દીઓને ખસેડતી વખતે અને ત્યાર બાદ પાંચ લોકોનાં મોત થયાં હતાં. જેમાં રામજીભાઈ જાદવભાઈ લૂખી (ઉં-૬૭) (મોટા વરાછા), અલ્પાબેન બિપિનભાઈ મોરડિયા (મોટા વરાછા), અરવિંદભાઈ શિંગાળા (ઉં-૪૭), રાજુભાઈ મોહનભાઈ પટેલ (ઉં-૫૨)(કામરજે) અને રમેશભાઈ પદશાળા (ઉં-૬૦) (વરાછા) નું મોત થયું છે.