સુરતની તાજી ઘટના બાદ ધોરાજીમાં પણ પ્રેમીએ મહિલા પર છરી વડે હુમલો કર્યો
રાજકોટ, સુરતમાં બનેલી ગ્રીષ્મા હત્યાકાંડની તાજી ઘટના બાદ ધોરાજીમાં પણ એક પ્રેમીએ પ્રેમિકા પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. રાજકોટના ધોરાજી શહેરના આંબાવાડી કોલોનીમાં રહેતી 25 વર્ષની ફરજાણાબેન પર રાજકોટમાં રહેતા સુલતાન નામના પ્રેમીએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
ફરજાણાબેન છુટાછેડા બાદ તેમના પ્રેમી સાથે રાજકોટ રહેતી હતી. મહિલા તેમની માતાના ઘરે રહેવા આવી ગઈ હતી. તેથી પ્રેમીએ તેમના મિત્રો સાથે મળી મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો.
આ ઘટનાના સમાચાર બાદ ચકચાર મચી ગયો છે. મહિલા તેમના પ્રેમીને મૂકી ધોરાજી તેમની માતાના ઘરે રહેવા આવી ગઈ હતી તેથી પ્રેમીએ પરત રાજકોટ ફરવા માટેનું દબાણ કર્યું હતું પરંતુ મહિલાએ પરત ફરવા માટે ઈનકાર કરતા પ્રેમીએ તેમની માતાના ઘરે આવી મહિલાના આગળના વાળ કાપી પેટમાં છરીનો ઘા કર્યો હતો ત્યારબાદ તેમનું ગળુ દબાવી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો.
એટલું જ નહીં ત્યારબાદ મહિલાનું નાક કાપી ગાલ પર છરીના ઘા કરી પ્રેમી અને તેમના મિત્રો નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડી હતી. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે ધોરાજી પોલીસે ભોગ બનનાર ફરિયાદીની ફરિયાદ અનુસાર વધુ તપાસ કરી હુમલાખોરોને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.