સુરતની વિદ્યાર્થીની બે માર્કથી ૧૦૦ ટકા રિઝલ્ટ ચૂકી ગઈ
સુરત: સીબીએસઈ દ્વારા ધોરણ ૧૨ બાદ ધોરણ ૧૦નું પરિણામ પણ જાહેર કરી દેવાયું છે. આ વખતે કોરોના મહામારીના કારણે પરીક્ષા ન લેવાતા અને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવાતા વિદ્યાર્થીઓ ખુશ છે. આ વચ્ચે શહેરના વેસુ વિસ્તારમાં આવેલી એસ.ડી. જૈન સ્કૂલમાં ભણતી રિતિકા ગુપ્તા એવી વિદ્યાર્થી છે જેણે પરીક્ષા લેવાય તો તે માટેની પણ સંપૂર્ણ તૈયારી કરી હતી. જેનું ફળ પણ તેને મળ્યું છે. રિતિકાને ૯૯.૬૦ ટકા આવ્યા છે. આ સાથે શહેરમાં તે પ્રથમ આવી છે. જાે કે, માત્ર વિજ્ઞાનમાં બે માર્ક્સ કપાતા તે ૧૦૦ ટકા રિઝલ્ટ મેળવવાથી ચૂકી ગઈ છે.
રિતિકા ગુપ્તાને ૫૦૦માંથી ૪૯૮ માર્ક્સ આવ્યા છે. તેને માત્ર એક જ વિષયમાં ૯૮ માર્ક્સ મળ્યા છે. આ વિદ્યાર્થિનીને અંગ્રેજી, સંસ્કૃત, ગણિત, સામાજિક વિજ્ઞાન આ ચાર વિષયમાં પૂરા માર્ક્સ એટલે કે ૧૦૦ માર્ક્સ આવ્યા છે. આ સાથે જ રિતિકાએ ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહમાં એડમિનશ લીધું છે. તે સીએ બનવાનું સપનું ધરાવે છે. રિતિકાના પિતા કાપડના વેપાર સાથે સંકળાયેલા છે.
રિતિકાએ જણાવ્યું હતું કે, ઓનલાઈન ભણી હોવા છતાં ઓફલાઈન પરીક્ષા લેવાય તો પણ તેણે તૈયારી કરી હતી. આ માટે તેણે છેલ્લા પાંચ વર્ષના પેપરની ભરપૂર પ્રેક્ટિસ કરી હતી. એસ.ડી. જૈન સ્કૂલ પ્રિન્સિપાલ ચેતન દાલવાલાના કહેવા પ્રમાણે, રિતિકાના રિઝલ્ટે સ્કૂલના ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
સીબીએસઈ ધોરણ ૧૦ના એકંદર પરિણામની વાત કરીએ તો, ગુજરાતનું ૯૯ ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં ૨૯ હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સુરતમાં નોંધાયેલા તમામ ૫૫૨૯ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ૧૦૦ ટકા પરિણામ જાહેર થતાં સુરતના વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જાેવા મળી હતી. સુરતના ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને ૯૦ ટકાથી વધુ પરિણામ આવ્યું છે, જ્યારે ૩૨૦ જેટલા વિદ્યાર્થીઓે ૯૫થી વધુ ટકા મેળવ્યા છે.
ઘણા વિદ્યાર્થીઓએ અલગ-અલગ વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા છે. તમામ વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના સામાન્ય અથવા વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરી રહ્યા છે.
સીબીએસઈ સ્કૂલના સંચાલકોએ જણાવ્યું હતું કે, સીબીએસઈ દ્વારા માસ પ્રમોશનનો ર્નિણય લીધા બાદ છેલ્લા ત્રણ વર્ષ ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ના વર્ષમાં વિદ્યાર્થીઓનું જે શ્રેષ્ઠ પરિણામ આવ્યું હતું તેના ૮૫ ટકા એવરેજ માર્ક્સ મૂકવાનું નક્કી કરાયું હતું. આ ઉપરાંત યુનિટ ટેસ્ટના ૧૦, છ માસિક પરીક્ષાના ૩૦, પ્રિલિમનરીના ૪૦ અને ઈન્ટરનલના ૨૦ માર્ક્સની ગણતરી કરીને પરિણામ તૈયાર કરાયું હતું.