સુરતની સુમુલ ડેરીમાં પાર્કિંગ મુદ્દે બબાલ થતાં એકની હત્યા

Files Photo
સુરત, સુરતની સુમુલ ડેરીમાં બે ટેન્કર ડ્રાઈવર વચ્ચે થયેલો ઝઘડિયો લોહીયાળ બન્યો હતો. એક ડ્રાઈવરે બીજાની છાતીમાં છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાને પગલે મહિધરપુરા પોલીસ દોડતી થઈ હતી અને આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી હતી.
જાેકે, સવારથી જ સાથી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા અને ન્યાયની માગ કરી હતી. પરિણામે મહિધરપુરા પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. મહિધરપુરા પોલીસે જણાવ્યું કે, સુમુલ ડેરી સામે આવેલી મિલિન્દ્રનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા સુનિલ સંતલાલ ગુપ્તા (૩૦ વર્ષ)નો શુક્રવારે સાંજે સુમુલ ડેરીમાં પાર્કિંગ બાબતે રવિ નામના બીજા ટેન્કર ડ્રાઈવર સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન રવિએ ચપ્પુ વડે સુનિલ પર હુમલો કર્યો હતો.
રવિએ સુનિલની છાતીમાં ચપ્પુ ઘૂસાડી દેતાં તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. સુમુલ ડેરીના કેમ્પસમાં થયેલી આ ઘટનાએ ચકચાર જગાવ્યો હતો. ઘાયલ થયેલા ડ્રાઈવરને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. મહિધરપુરા પોલીસને જાણ કરવામાં આવતાં તે ઘટનાસ્થળે પહોંચી હતી
અને હત્યાના આરોપી રવિ શુક્લાની ધરપકડ કરી હતી. મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, સુનિલની હત્યાને લઈને ડેરીના કર્મચારીઓએ હડતાળ પાડી છે. ન્યાય મળે તે માટે લડત ચલાવી રહ્યા છે. એવામાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.