સુરતની હીરા પેઢીમાં ૨૨ પોઝિટિવ કેસ: કારખાનું સીલ
સુરત, સુરતમાં ફરીથી ડાયમંડ ફેક્ટરીમાં કોરોના વાયરસના કારણે ફફડાટ વ્યાપ્યો હતો. ગોપીપુરા, તીનબત્તી વિસ્તારમાં સ્થિત ભણસાલી ઍન્ડ કંપની નામક ડાયમંડ ફેક્ટરીમાં કાર્યરત ૧૯૨ કર્મચારી ઓના ઍન્ટિજેન ટેસ્ટ દરમિયાન કુલ ૨૨ વ્યક્તિના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ઍક જ વિભાગમાંથી બે દિવસમાં ૨૨ પોઝિટિવ કર્મચારી ઓ મળી આવતાં મનપાના સેન્ટ્રલ ઝોન દ્વારા હીરાનું કારખાનું સીલ કરી દીધું છે.
મોટા ભાગના હીરાના કારીગરો એકસાથે જમતા હોવાનુ સામે આવ્યું હતું . જમતી વખતે બધા એક સાથે હોઈ અને માસ્ક પણ ના હોઈ જેથી જ સંક્રમણ ફેલાયું છે. ઍન્ટિજેન ટેસ્ટની ઝૂંબેશ દરમિયાન ગત શનિવારે સેન્ટ્રલ ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા ભણસાલી ઍન્ડ કંપની નામક ડાયમંડ ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. કુલ ૭૦ ટેસ્ટ શનિવારે કરાયા હતા.
જેમાં કુલ ૪ પોઝિટિવ કર્મચારી ઓ મળી આવ્યા હતા. કારખાનામાં ૨૦૦થી વધુ કર્મચારીઓ કામ કરતા હોવાથી આજે ફરીથી સેન્ટ્રલ ઝોનની સ્ટેટિક ટીમ દ્વારા કારખાનામાં ટેસ્ટની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. આજે કારખાનામાં હાજર વધુ ૧૨૨ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
જે પૈકી ૧૮ કર્મચારીના ટેસ્ટ રીપોર્ટ પોઝિટિવ મળ્યા છે. સેન્ટ્રલ ઝોનના આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી હીરાના કારખાનાને સીલ કરી દીધું છે. સુરત શહેરમાં પાછલા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઘટી રહી હતી ત્યારે ફરી એક વખત હીરા માર્કેટમાં આવી રીતે એક સાથે કેટલા કેસ આવવા એ ચિંતાનો વિષય છે.
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે તમામ કારખાનાના માલિકોને તેમજ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે કામગીરી દરમિયાન કે રીસેશ ટાઇમમા જમતી વખતે યોગ્ય દુરી રાખવી ખૂબ જ જરૂરી છે. હાલમાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું હોય તમામ લોકોએ પોતાના ટિફિન માંથી જ ખાવું જોઈએ એકબીજાના સંપર્કમાં આવવાથી કોરોના સંક્રમણ ફેલાઇ છે. કર્મચારીને કોરોના આવતા તેના પરિવારમાં પણ કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય રહેલો છે.