સુરતમાંઃ૭ લાખના હીરાની લૂંટ કરવા આવેલ ત્રણ લૂંટારા ઝડપાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/advt-western-2021b-1024x696.jpg)
સુરત: શહેરના કતારગામમાં નંદુડોશીની વાડીમાં એચવીકે કંપનીના કર્મચારીને આંતરીને ત્રણ યુવકોએ રૂા. ૭ લાખના હીરાની લૂંટ ચલાવી હતી. કર્મચારીએ બુમાબુમાં કરતા નજીકના લોકોએ જ બે યુવકોને પકડી પાડ્યા હતા. જ્યારે હીરા લઇને ભાગેલો યુવક પણ ગણતરીના કલાકોમાં જ પકડાઇ ગયો હતો. પોલીસે સાતે લાખના હીરા કબજે કરીને ત્રણ યુવકો સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કામરેજના બાપાસીતારામ ચોક પાસે રઘુનંદના રેસિડન્સીમાં રહેતા અજય વિનુભાઇ નલીયાપરા કતારગામની નંદડોશીની વાડીમાં આવેલી એચવીકે ઇન્ટરનેશનલ પ્રા.લી. કંપનીમાં નોકરી કરે છે. એચવીકે કંપનીની બીજી એક ઓફિસ નજીકમાં જ પ્રમુખ ચેમ્બર્સમાં આવેલી છે. અજયભાઇ આ બંને ઓફિસમાં હીરાનું જાેખમ તેમજ રોકડનો વ્યવહાર સંભાળે છે. બપોરના સમયે અજયભાઇ મુખ્ય ઓફિસમાંથી પ્રમુખ ચેમ્બર્સમાં સાત લાખના હીરા લઇને જઇ રહ્યા હતા. અજયભાઇ પ્રમુખ ચેમ્બર્સની લિફ્ટમાં ઘૂસ્યા કે તેની પાછળ જ બીજા ત્રણ યુવકો પણ આવી ગયા હતા.
આ ત્રણેય યુવકો પૈકી એકએ અજયભાઇનું મોટું દબાવી દીધું હતું, બીજાએ હાથ પકડી રાખ્યા હતા અને ત્રીજાે યુવક હીરા ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઇ ગયો હતો. બિલ્ડીંગની પાસે જ કંપનીના બીજા કર્મચારીઓ પણ હાજર હતા. અજયભાઇએ લૂંટ-લૂંટની બુમો પાડતા લોકોએ લૂંટારા પૈકી નાગજી ઇશ્વરભાઇ ચૌધરી અને જગદીશ કાળુભાઇ ચૌધરીને પકડી પાડ્યા હતા. જ્યારે ત્રીજાે યુવક હીરા લઇને ભાગી જવામાં સફળ રહ્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસનો સ્ટાફ દોડતો થયો હતો અને ગણતરીના કલાકોમાં ઘટના સ્થળે પહોચી આવીને હીરા લઇને ભાગેલા ત્રીજા લૂંટારા દિનેશ ચૌધરીને પણ પકડી પાડ્યો હતો.
કતારગામ પોલીસે આ ત્રણયે યુવકોની સામે ગુનો નોંધીને તેઓની ધરપકડ કરી હતી. જ્યારે લૂંટેલા સાત લાખ રૂપિયાના હીરા પોલીસે કબજે કરી આ ત્રણેયની વધુ પુછપરછ શરૂ કરી છે.