સુરતમાં અસામાજિક તત્વોનો આતંક: પોલીસ પણ નિષ્ફળ
સુરત, સુરત શહેરના ડિંડોલીમાં ગુરુવારે મોડીરાત્રે ઉમેશની ગેંગે માથાભારે બંટી દયાવાનના ઘર પર પથ્થરમારો કર્યા બાદ બંટીના સાગરીતોએ આતંક મચાવ્યો હતો. બંટી દયાવાનના ભાઈ સહિત સાત સાગરીતોએ ચિંતાચોકમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હવામાં ફાયરીંગ કર્યા બાદ ત્યાંથી નીકળી ગાયત્રીનગરમાં વધુ એક યુવાન પર હુમલો કર્યો હતો. ડિંડોલી પોલીસે બનાવ અંગે બે ગુના નોંધી બંટી દયાવાનના બે સાગરીતની ધરપકડ કરી હતી.
ગુજસીટોકના ગુનામાં હાલ જેલમાં બંધ કુખ્યાત બંટી દયાવાનની ડિંડોલી આર.ડી.નગર સોસાયટી પ્લોટ નં.૮૦ માં મોટા પુત્ર મહેન્દ્ર સાથે રહેતી અને શાકભાજીની લારી ચલાવતી માતા સંગીતાબેનના ગામથી મહેમાનો આવ્યા હતા. ગતરાત્રે ૧૧ વાગ્યે તેમની સાથે જમતા હતા ત્યારે એક બાઈક પર ઉમેશ ગેંગના લાલુ, ચંદન અને અતુલ આવ્યા હતા. ત્રણેયે સંગીતાબેન અને તેમના પરિવારને ગાળો આપતા સંગીતાબેને દરવાજાની જાળી ખોલી જાેયું તો અતુલના બંને હાથમાં તલવાર હતી.
તે સંગીતાબેન તરફ આવતા તેમણે ગભરાઈને જાળી બંધ કરી દીધી હતી. જેના પગલે લાલુએ ઘર પર પથ્થરો ફેંક્યા હતા. ચંદને ગાળો આપતા સંગીતાબેને જાેરથી બુમાબુમ કરી પોલીસને બોલાવો કહેતા જ ત્રણેય ભાગી ગયા હતા. આ બનાવને પગલે બંટીનો ભાઈ મહેંદ્ર ઉર્ફે પપ્પુ બંટીના અન્ય સાગરીતો કિશન ઉર્ફે ચકલી પરમાર, જયેશ ઉર્ફે બારકુ વાઘ, અમિત દુબે, વૈભવ પાટીલ, ગણેશ ઉર્ફે રાવસ્યા પાટીલ અને મિલિંદ કોળી સાથે હાથોમાં ખુલ્લી તલવારો તથા ચપ્પુ રાખી હવામાં ફેરવતા બુમાબુમ કરતા નીકળ્યા હતા.
તેમણે ચિંતાચોક પાસે રાજ સુરેશ પાટીલ અને તેના મિત્રોને અહીં શું કરો છો? ભાગો અહીંથી તેમ કહી રાજ પર હુમલો કર્યો હતો. આ સાથોસાથ હવામાં ફાયરીગ પણ કર્યું હતું. આ ઘટનામાં ડિંડોલી પોલીસે સાત વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ બનાવમાં ક્રાઇમબ્રાંચે વૈભવ અને જયેશ પાટીલની ધરપકડ કરી હતી. જયેશ ખૂન, લૂંટ, મારામારી સહિતના ૧૫ ગુનાઓ તેના પર નોંધાઇ ચુક્યા છે. હાલ પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.SS3KP