સુરતમાં કિશોર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો
કિશોરે આપઘાત કરી લીધો કે પછી સ્ટન્ટ કરવા જતાં ભૂલથી ગળેફાંસો લાગી જતાં તેનો જીવ ગયો છે તેને લઈને સવાલ
સુરત: સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૧૩ વર્ષનો કિશોર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવકના મોતનું કારણ ફાંસો ખાવાથી થયાનું ખુલ્યું છે. હવે ૧૩ વર્ષનો બાળક શા માટે આપઘાત કરી લે એ પણ સવાલ છે. બીજું કે જે કિશોરે આપઘાત કરી લીધો છે તે સોશિયલ મીડિયા પર સ્ટન્ટ અને ડાન્સના વીડિયો બનાવીને અપલોડ કરતો હતો. પરિવારનું કહેવું છે કે તેમના દીકરાએ છેલ્લા એક વર્ષમાં સોશિયલ મીડિયા પર આવા ૫૦૦ વીડિયો પોસ્ટ કર્યાં હતા.
આથી અહીં એ પણ સવાલ ઉઠ્યો છે કે કિશોરે આપઘાત કરી લીધો છે કે પછી સ્ટન્ટ કરવા જતાં ભૂલથી ગળેફાંસો લાગી જતાં તેનો જીવ ગયો છે. મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના સરથાણામાં રહેતો અને સ્ટન્ટના વીડિયો બનાવવાના શોખીન ૧૩ વર્ષના મીતનો ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ તેના ઘરની જ બાલ્કનીમાંથી મળી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે મીત સતત મોબાઇલ પર વીડિયો બનાવતો હોવાથી તેની માતાએ મોબાઇલ ફોન લઈ લીધો હતો. મીતના પિતા અશ્વિનભાઈ વીરડિયા મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના કેરાળા ગામના વતની છે.
તેઓ સરથાણાની માનસરોવર સોસાયટી ખાતે પરિવાર સાથે રહે છે. અશ્વિનભાઈને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. જેમાંથી મીતની ઉંમર ૧૩ વર્ષ હતી. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક મીતને ડાન્સ, સ્ટન્ટ અને ગીત ગાવાનો ખૂબ શોખ હતો. મીતના પિતા એમ્બ્રોઈડરનું ખાતું ધરાવતા હોવાની માહિતી મળી છે. ૧૩ વર્ષનો મીત ઘરની બાલ્કનીમાં જ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. સામાન્ય રીતે મીત ગેલેરીમાં જ સ્ટન્ડ અને ડાન્સના વીડિયો બનાવતો હતો. મંગળવારે પણ તે ઘરની બાલ્કનીમાં વીડિયો બનાવી રહ્યો હતો.
જાેકે, લાંબા સમય સુધી તે ઘરની અંદર ન આવતા મીતને બહેન બાલ્કનીમાં તપાસ માટે ગઈ હતી. આ દરમિયાન તેણે મીતને ફાંસો ખાધેલી હાલતમાં જાેયો હતો. મીતને આ હાલતમાં જાેઈને તેણીએ બૂમાબૂમ કરી મૂકી હતી. ગેલેરીમાં એક ખીલા સાથે દોરી બાંધેલી હતી અને આ દોરીથી મીત ફાંસો ખાધેલી હાલતમાં પડ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મીતનું મોત ગળેફાંસો ખાધેલી હાલતમાં થયાનું સ્પષ્ટ થયું છે.
હવે સવાલ એ છે કે મીતે જાતે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો કે પછી સ્ટન્ટ કરવા જતાં કે પછી રમત રમતમાં ફાંસો લાગી જવાથી તેનું મોત થયું? જાે મીતે જાતે જ ફાંસો ખાધો હોય તો માત્ર ૧૩ વર્ષના બાળકને એવું તો શું માઠું લાગી ગયું કે તેણે આપઘાત કરી લીધો? અને જાે સ્ટન્ટ કરવામાં ફાંસો લાગી ગયો હોય તો આ કિસ્સો તમામ બાળકોના માતાપિતા માટે ચેતણવી સમાન છે.