સુરતમાં કોઝવેમાં સેલ્ફી લેતા ત્રણ મિત્રો પાણીમાં પડ્યા
સુરત: શહેરનાં રાંદેર અને સિંગરપૂરને જાેડતા વિયર કમ કોઝવે ઉપર રાંદેરના ત્રણ બાળકો ફરવા પહોંચ્યા હતા. જાેકે કોઝવે પાસે ઉભા રહીને સેલ્ફી પાડવા સમયે અચાનક બેલેન્સ ગુમાવતા ત્રણેય યુવાનો તાપી નદીમાં પડ્યા હતા. જાેકે, બે બાળકોને તરતા આવડતું હોવાને લઈને નદી બહારનીકળી ગયા હતા જ્યારે એક બાળક તાપી નદીમાં ડુબવા લાગ્યો હતો તે સમયે સ્થાનિક તરવૈયાઓ તાપી નદીમાં ઝંપલાવી આ બાળકને બચાવી લીધો હતો. આ બાળકને બચાવતો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ઘણો જ વાયરલ થયો છે.
વિયર કમ કોઝવે પાણીનો સંગ્રહ થતો હોવાને લઈને લોકો મોટી સંખ્યામાં આ તાપી કિનારે ફરવા જતા હોય છે. કેટલાક બાળકો સેલ્ફી પણ લેતા હોય છે ત્યારે ગતરોજ સવારે રાંદેર વિસ્તારના કેટલાક બાળકો કોઝવે ખાતે ફરવા પહોંચ્યા હતા અને સેલ્ફી લેતા સમયે અચાનક તેમનું સંતુલન ગુમાવી દેતા તેઓ તાપી નદીમાં ખાબક્યા હતા. ત્રણમાંથી બે મિત્રોને તરતા આવડતું હોવાને લઇ અને તેઓ બહાર નીકળી ગયા હતા
ત્યારે એક બાળક તાપી નદીના પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તે સમયે બૂમાબૂમ કરતાં સ્થાનિક તરવૈયા ત્યાં પહોંચી અને બાળકને તાત્કાલીક તાપી નદીમાં ઝંપલાવી બચાવી લીધો હતો. જાેકે, સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં ઉભેલા લોકોએ બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સેલ્ફી લેતા લેતા થયેલા અકસ્માતના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે આવ્યા છે.
ત્યારે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે આ યુવાન નસીબદાર હતો કે, તેને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધો હતો. બચાવનાર તરવૈયાએ જણાવ્યું કે, રવિવારની સવારે ત્રણ બાળકો કોઝવે નજીક જાેખમ લઈ સેલ્ફીની મજા લઈ રહ્યા હતા. અચાનક ત્રણ પૈકી એક કોઝવોમાં પડી ગયો અને થોડે દૂર પાણીમાં ખેંચાય ગયો હતો. મારી નજર પડી ત્યારે એકવાર તો એમ લાગ્યું કે કોઈ તરી રહ્યું છે પછી અહેસાસ થયો આ ડૂબી રહ્યો છે એટલે કપડાં સાથે જ પાણીમાં કૂદીને બાળકને બચાવી લીધો હતો ૫-૭ મિનિટ સુધી બાળકને એક હાથે કોઝવેના પાણીમાં ઉંચકી રાખી કિનારે સુધી લાવ્યો હતો.
પાળા પાસે વધુ પડતી લીલ હોવાથી જાે બાળકને ઊંચક્યો ન હોત તો પાણીમાં ગરકાવ થઈ ગયા બાદ એને શોધવો ખૂબ જ અઘરો હોત. ત્રણેય બાળકો સારા અને પૈસાદાર ઘરના લાગતા હતા. ગભરાય ગયા હતા ડૂબતા મિત્રને બહાર કાઢતા જ ત્રણેય મિત્રો પલક ઝબકતા જ ગાયબ થઈ ગયા હતા.