સુરતમાં કોરોનાએ ૧૩ વર્ષના ધ્રુવનો ભોગ લીધો
સુરત: દેશમાં કોરોનાની બીજી લહેર વધુને વધુ ઘાતક અને ખતરનાક સાબિત થઈ રહી છે. આ લહેર કોઈને નથી છોડી રહી. પહેલી લહેરમાં મોટાભાગના કેસમાં બાળકો પોઝિટિવ થતા ન હતા. તેમજ જાે કોઈ પોઝિટિવ થાય તો મોતનું પ્રમાણે નહિવત હતું, પરંતુ બીજી લહેરમાં કોરોના વધારે ઘાતક બની રહ્યો છે. દેશમાં અનેક જગ્યાથી અહેવાલ આવી રહ્યા છે કે બાળકો પણ કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે તેમજ તેમની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. તેવામાં સુરતમાં આવો જ એક કેસ સામે આવ્યો છે. જેમાં ૧૩ વર્ષના બાળકનું કોરોનાથી નિધન થયું છે.
રાજ્યમાં હાલ કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે આ કેસ ખરેખર ચોંકાવનારો છે. સાથે તમામ માટે એક સંદેશ પણ છે કે જાે હજુ નહીં ચેતીએ તો ખૂબ મોડું થઈ જશે. સુરતમાં ૧૩ વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી મજૂરા ફાયર સ્ટેશન નજીકની સાચી હોસ્પિટલમાં મોત થયું છે. આ બાળકમાં કોરોનાના કોઈ જ લક્ષણ નહોતા. અત્યારસુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે. આ ઉપરાંત ૧૦ વર્ષનું એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાના અહેવાલો મળી રહ્યા છે. મોટા વરાછા ખાતે રહેતા અને એમ્બ્રોઈડરીનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટનું કહેવું છે
તેમનો ૧૩ વર્ષનો પુત્ર ધ્રુવ રવિવાર સુધી એકદમ સાજાે હતો. બીજી ખાસ વાત એ હતી કે ધ્રુવને કોરોનાના કોઈ જ લક્ષણો ન હતા. એટલે કે તે સાવ સામાન્ય હતો. પરંતુ રવિવારે અચાનક તેની તબિયત બગડી હતી. ધ્રુવને એકાએક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. જે બાદમાં તેનો એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યા બાદ તેનો તાત્કાલિક સાચી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અહીં તેની સારવાર ચાલી રહી હતી પરંતુ સારવારના પાંચ જ કલાકમાં ધ્રુવનું નિધન થયું હતું.
બાળકો માટે પણ હવે કોરોના વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે. સાચી હોસ્પિટલમાં અન્ય એક ૧૦ વર્ષના બાળકને પણ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. આ બાળકનો રેપિડ એન્ટજન ટેસ્ટ અને પછી આરટી-પીસીઆર ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હસતા રમતા દીકરાનું પાંચ જ કલાકમાં નિધન થતાં પરિવાર ભાંગી પડ્યો હતો. ધ્રુવના પિતાએ જણાવ્યું હતું કે, અમે સારવાર માટે લઈ ગયાના પાંચ જ કલાકમાં દીકરાનું નિધન થયું હતું. બીજી તરફ એવી પણ માહિત મળી છે કે ધ્રુવના શરીરમાં પ્રોટિન ન બનતું હોવાની સમસ્યા હતી. જેની સારવાર પણ ચાલી રહી હતી.