સુરતમાં કોરોનાએ ૧૩ વર્ષના ધ્રુવનો ભોગ લીધો
સુરત, દેશમાં અનેક જગ્યાથી અહેવાલ આવી રહ્યા છે કે બાળકો પણ કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે તેમજ તેમની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. તેવામાં સુરતમાં આવો જ એક કેસ સામે આવ્યો છે. જેમાં ૧૩ વર્ષના બાળકનું કોરોનાથી નિધન થયું છે. રાજ્યમાં હાલ કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે આ કેસ ખરેખર ચોંકાવનારો છે.
સાથે તમામ માટે એક સંદેશ પણ છે કે જાે હજુ નહીં ચેતીએ તો ખૂબ મોડું થઈ જશે. સુરતમાં ૧૩ વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી મજૂરા ફાયર સ્ટેશન નજીકની સાચી હોસ્પિટલમાં મોત થયું છે. આ બાળકમાં કોરોનાના કોઈ જ લક્ષણ નહોતા. અત્યારસુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે.
આ ઉપરાંત ૧૦ વર્ષનું એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાના અહેવાલો મળી રહ્યા છે. મોટા વરાછા ખાતે રહેતા અને એમ્બ્રોઈડરીનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટનું કહેવું છે કે તેમનો ૧૩ વર્ષનો પુત્ર ધ્રુવ રવિવાર સુધી એકદમ સાજાે હતો. રવિવારે અચાનક તેની તબિયત બગડી હતી.
ધ્રુવને એકાએક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. જે બાદમાં તેનો એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યા બાદ તેનો તાત્કાલિક સાચી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અહીં તેની સારવાર ચાલી રહી હતી પરંતુ સારવારના પાંચ જ કલાકમાં ધ્રુવનું નિધન થયું હતું.