સુરતમાં કોરોનાનો કાતિલ આતંકઃ નવા ૧૨૦ કેસ નોંધાયા

Files photo
સુરત: શહેરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ગુરૂવારે બપોર સુધી સુરત શહેરમાં ૮૫ અને જીલ્લામાં ૩૫ કેસ નોધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ આંક ૧૫,૦૦૦ને પાર થઇ જવા પામ્યો છે. બીજી બાજુ કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત નિપજતા મૃત્યુઆંક ૬૫૦પર પહોચ્યો છે.
સુરતમાં કોરોના વાયરસના કારણે લોકોમાં દહેશત દેખાઇ રહી છે. તેમ છતાં લોકો હજુ પણ લાપરવાહી દાખવી રહ્ના છે. પરિણામે કોરોના વાયરસનો શિકાર બની રહ્યા છે. સંક્રમણ ન વધે તે માટે પાલિકા દ્વારા આ તમામ ઉદ્યોગો કોવિડ ૧૯ની ગાઇડ લાઇનનું પાલન કરે છે કે નહીં તે માટે ચેકીંગ પણ શરૂ કરવામાં આવ્યુ છે.
પાલિકા તંત્ર સહિતના સરકારી અધિકારીઓ દ્વારા કોરોના વાયરસનો કહેર કંઇ રીતે ઓછો થાય તે માટે અનેક નિયમોની સાથે કડક પગલાં પણ લીધા છે. તેમ છતાં લોકો હજુ પણ સુધરતા નથી. ગુરૂવારે સુરત શહેરમાં બપોરના ૧૨ વાગ્યા સુધી ૮૫ અને જીલ્લામાં ૩૫ કેસ નોધાયા છે. આમ અત્યાર સુધી સુરતમાં ૧૫,૦૨૨ કેસો નોધાયા છે. જેમાંથી ૧૦,૬૭૧ દર્દીઓ સાજા થઇ ઘરે ગયા છે.
કોરોનાથી વધુ એકનું મોત નિપજતાં કુલ મૃત્યુઆંક ૬૫૦ પર પહોચ્યો છે. આમ સુરત શહેરમાં ૧૨,૦૬૩ અને જીલ્લામાં ૨,૯૫૯ કેસો થયા છે. આમ ગુરૂવારે નોધાયેલા નવા કેસોમાં સિવિલ , સ્મિમેર અને ખાનગી હોસ્પિટલના તબીબો, કાપડ વર્કર, ડાયમંડ વર્કર, નર્સ વગેરે સંક્રમિત થયા છે.
જોકે બીજી બાજુ સુરત ગ્રામ્યમાં માત્ર ઉમરપાડા અને માંડવીમાં કોરોનાના કેસો નહીવત છે. જયારે આ સિવાયના કામરેજ, ઓલપાડ, ચોર્યાસી અને પલસાણા તાલુકામાં કોરોના રાફડો ફાડ્યો છે. જેમાં કામરેજ તાલુકામાં કોરો બેકાબુ બન્યો છે.કામરેજ તાલુકામાં સૌથી વધુ કેસની સાથે મરણાંક પણ વધારે છે. આજે સવારે પણ ગ્રામ્યમાં વધુ ૩૨ કેસ સપાટી પર આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ પોઝિટિવનો આંકડો ૨૯૨૪ ઉપર પહોચ્યો છે તો ૨૧૯૦ દર્દીઓ કોરોનામુક્ત થયા છે, જિલ્લામાં કોરોનામાં ૧૨૫ દર્દીઓના મોત થયા છે.