સુરતમાં ખરીદી કરવા માટે સોમવારે સવારથી જ દોડધામ
સુરત, લોકડાઉનમાં જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓનો સપ્લાય ચાલુ રાખવાની સરકારી જાહેરાત હોવા છતાં પણ લોકો શાકભાજી, મેડીકલ સ્ટોર, કરિયાણાની દુકાનો ઉપર ખરીદી કરવા માટે સોમવારે સવારથી જ દોડધામ આદરી દીધી હતી. ટોળામાં ભેગા થતાં લોકોને પોલીસ દ્વારા એકબીજાથી દૂર રહીને ખરીદી કરવાની સૂચના આપવામાં આવી રહી છે.
કોરોના વાયરસને કારણે લોકડાઉન કરાતા આજે સવારથી જ જીવન જરૂરીયાતની ચીજવસ્તુ (શાકભાજી)ઓ ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા હતા. મેડીકલ સ્ટોર ઉપર પણ લોકો દવા ખરીદવા માટે પડાપડી કરતા હતા.
શહેરમાં ૧૪૪મી કલમ લાગુ હોવા છતાં પણ લોકોની જીવન જરૂરીયાતની ચીજવસ્તુ ખરીદવા માટેની હોડ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. લોકડાઉનમાં સરકારે તમામ જરૂરીયાતની ચીજવસ્તુઓનો પુરવઠાનો સપ્લાય યથાવત રહેવાની વારંવાર જાહેરાત છતાં પણ લોકો ખરીદી કરવા તૂટી પડે છે. જે આજના માહોલમાં યોગ્ય નથી. મહિધરપુરા હીરા બજારમાં આવેલ સેલ્ફ ડિપોઝિટ વોલ્ટ આજે થોડા સમય માટે ખોલવામાં આવતા લોકો લોકર ઓપરેટ કરવા માટે દોડી ગયા હતા.