સુરતમાં ગેસ કટરથી ATM કાપીને તસ્કરો ૩૧ લાખ ચોરી ગયા
દહેજ, ડાયમંડ સિટી સુરતમાં તસ્કરો સક્રિય થઈ ગયા છે. તસ્કરોએ એટીએમને નિશાનો બનાવી ગેસ કટરથી કાપીને લાખો રૂપિયાની ચોરી કરી હતી. આટલું જ નહીં ચોરોએ પોતાની ઓળખ છુપાવવા માટે સીસીટીવી કેમેરા પર સ્પ્રે મારી દીધો હતો. આ બનાવ સામે આવતા જ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરત પાંડેસરા વિસ્તારમાં એટીએમને ગેસ કટરથી કાપી ૩૧ લાખની ચોરી કરી કેટલાક અજાણ્યા ઈસમો ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. તસ્કરોએ ગુરુવારની રાત્રે એટીએમના સીસીટીવી પર સ્પ્રે મારી પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. એસબીઆઈ બેંકમાં જે રીતે ગેસ કટરથી એટીએમ કાપી લાખો રૂપિયાની ચોરી કરાઈ છે
એની પાછળ બહારની ગેંગ હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. ચોરોએ એટીએમને ટાર્ગેટ બનાવી રૂપિયા ૩૧ લાખની ચોરીને અંજામ આપતા પોલીસ પેટ્રોલિંગ પર અનેક પ્રશ્નો ઉભા થયા છે. હાલમાં તો પોલીસે મુંબઈ બ્રાંચના સર્વરમાંથી સીસીટીવીની કોપી મંગાવી કાર્યવાહી હાથ ધરી છે.