સુરતમાં ચાઈનીઝ દોરીથી ગળું કપાતા શ્રમજીવીનું મોત
સુરત, ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ ચાઈનીઝ દોરી ઘાતક સાબિત થઈ રહી છે. એક તરફ ગુજરાતમાં ચાઈનીઝ દોરીના વેંચાણ પર પ્રતિબંધ છે છતાપણ છુપીરીતે આ ઘાતક દોરાનું વેંચાણ ચાલુ છે. આ ઘાતક દોરાથી સુરતમાં એક આધેડનું મોત થયું છે. સુરતના કામરેજમાં ચાઈનીઝ દોરીથી એક શ્રમજીવીનું ગળું કપાઈ ગયુ હતું અને તેનું મોત નિપજ્યુ હતું.
આ ઘાતક પતંગની દોરીથી આધેડ બાઈક ચાલકને ગળે ગંભીર ઈજા પહોંચી હતી જેનાથી તેનું મોત થઈ ગયુ હતું. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક આધેડ લૂમ્સના કારખાનામાં કામ કરતો હતો. પોલીસ દ્વારા આ આધેડની લાશને આગળ પોસ્ટમોર્ટમ માટે આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવી છે. આ મામલે કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હજુ ગઈકાલે વડોદરામાં ઉત્તરાયણ પહેલાં ચાઇનીઝ દોરીએ એક યુવકનો ભોગ લીધો છે. ચાઈનીઝ દોરીથી વડોદરામાં એક હોકી પ્લેયરનું ગળુ કપાયું હતું અને ગંભીર ઈજા થતા તે મોતને ભેટ્યો હતો. ચાઇનીઝ દોરીથી ગળું કપાતાં વડોદરાના ૩૦ વર્ષીય આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું.