સુરતમાં જન આશિર્વાદ યાત્રા વખતે મંત્રી વિનુ મોરડિયાના બેનરો ફડાયા
સુરત, વિજય રૂપાણી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા બાદ તેમના મંત્રીમંડળની પણ રચના કરવામાં આવી છે. ભાજપેનો રિપીટ થિયરીના આધારે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચના કરી છે.
જેથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બીજી તરફ નવા મંત્રીઓ હવે લોકોના આશીર્વાદ લેવા માટે ગુજરાતના અલગ-અલગ ગામડા અને શહેરોમાં જન આશીર્વાદ યાત્રા કરી રહ્યા છે. કેટલીક જગ્યા પર તો ભાજપના મંત્રીઓની યાત્રાનો વિરોધ પણ થઇ રહ્યો છે.
સુરતના કતારગામના ધારાસભ્યને રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેથી વિનુ મોરડિયાએ તેમના વિસ્તારમાં એટલે કે, કતારગામ વિધાનસભામાં લોકોના આશીર્વાદ લેવા માટે નીકળ્યા હતા. મંત્રી બન્યા બાદ વિનુ મોરડિયા પ્રથમ વખત સુરત આવતા હોવાના કારણે શહેરમાં અલગ-અલગ જગ્યાઓ પર તેમના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. સુરતમાં આવતાની સાથે જ મંત્રી વિનુ મોરડિયા ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
મંત્રી વિનુ મોરડિયાની જન આશીર્વાદ યાત્રામાં ક્યાંકને ક્યાંક લોકોમાં રોષ હોવાનું પણ સામે આવ્યુ હતું કારણ કે, જન આશીર્વાદ યાત્રાના મંત્રી વિનુ મોરડિયાના બેનર અલગ-અલગ જગ્યા પર ફાડી નાખવામાં આવ્યા હતા. સુરત સીંગણપોર ચાર રસ્તા સહિતના વિસ્તારના બેનરો ફાડી નાખવામાં આવ્યા હતા.
અસામાજિક તત્ત્વો દ્વારા મંત્રી વિનુ મોરડિયાના બેનરો ફાળવવામાં આવ્યા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ધારાસભ્ય વિનુ મોરડિયાના મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખૂબ જ સક્રિય છે. એટલે મોડી રાત્રે તેમના દ્વારા પણ આવું કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ બેનર કોણે ફાડ્યા તે એક તપાસનો વિષય છે.
બીજી તરફ ભાજપના મંત્રી વિનુ મોરડિયાએ તેમના મત વિસ્તારમાં જન આશીર્વાદ યાત્રા કરી ત્યારે લોકોમાં રોષ હોવાનું સામે આવ્યુ હતું અને આ જ કારણે ભાજપના મંત્રી વિનુ મોરડિયાની જન આશીર્વાદ યાત્રાને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો ન હતો. માત્ર ભાજપના ગણતરીના કાર્યકર્તાઓ અને તેમની યાત્રામાં જાેવા મળ્યા હતા.
જે બેઠક ઉપરથી મંત્રી વિનુ મોરડિયા ધારાસભ્ય છે તે કતારગામ વિધાનસભા ઉપર પણ પાટીદારોનું સારુ વર્ચસ્વ છે. વિનુ મોરડિયાને મંત્રીપદ પાટીદારોને ખુશ કરવા માટે આપવામાં આવ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે પરંતુ આ વિસ્તારમાં ભાજપની આબરૂ દાવ પર લાગી છે કારણ કે, મંત્રીના જ મત વિસ્તારમાં આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રિય છે.
૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં સુરતની કામરેજ, વરાછા, કરંજ અને કતારગામ આ વિધાનસભા ઉપર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રસાકસીનો ખેલ થાય તો પણ નવાઈ નહીં.HS