સુરતમાં ડૉક્ટરે ઈન્જેક્શન મારીને માતા અને બહેનની હત્યા કરી નાંખી
સુરત, સુરતમાંથી સંબંધની હત્યાનો કેસ સામે આવ્યો છે. જેમાં એક દીકરીએ પોતાની માતા અને બહેનની ઈન્જેક્શન મારી હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ પોતે પણ આત્મહત્યાનું પગલું ભરવા માટે જઈ રહી હતી. મહિલા ડૉક્ટરે આત્મહત્યા કરવા માટે ઊંઘની ઘણી બધી ગોળીઓ એક સાથે ખાઈ લીધી હતી. જાેકે, આરોપી તબીબનો જીવ બચી જતા સમગ્ર કેસ ઉઘાડો પડ્યો હતો.
સુરતના કતારગામ વિસ્તારમાં આ ઘટના બની છે. હાલમાં મહિલાની સારવાર ચાલી રહી છે. આ મહિલા તબીબે જીંદગીથી કંટાળી માતા અને તેની નાની બહેનને બેભાન કરવાના ઈન્જેક્શનના ઓવરડોઝ આપી દીધા હતા. ત્યાર બાદ બંને માતા-નાની દીકરીનું મોત થયું હતું. પોતાના નિવેદનમાં મહિલા તબીબે કહ્યું કે, અંગત કારણોસર આત્મહત્યા કરવી હતી. પણ મારા વગર માતા-બહેન શું કરશે? એ ચિંતામાં હત્યા કરી નાંખી હતી. પોલીસે આ તબીબ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યાવાહી કરી છે. રક્ષાબંધનના શુભ દિવસે જ આ ઘટના સામે આવી હતી. મહિલા તબીબનું નામ દર્શના છે. જેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે એમના પાડોશી પાસેથી નિવેદન લેવા માટેની તજવીજ શરૂ કરી દીધી છે.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, દર્શનાબેને ઊંઘની ગોળીઓ વધારે સંખ્યામાં ખાઈ લીધી છે. એમને સિવિલ હોસ્પિટલમાં એડમીટ કરી છે. એમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે. ડૉ. દર્શનાના કહેવા મુજબ તેઓ આ જીવનથી કંટાળી ગયા હતા. જીવવાની કોઈ ઈચ્છા ન હતી. એમની માતા અને બહેન પણ એમના પર ડિપેન્ડન્ટ હતા. આ ઈન્જેક્શનના કારણે એમની બહેન અને માતાનું નિધન થયું છે. ફરિયાદ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
પોતાના નિવેદનમાં ડૉ. દર્શનાએ મેજીસ્ટ્રેટ સમક્ષ લખાવ્યું હતું કે, ત્રણેય જણા એકબીજા વગર થોડા સમય માટે પણ જીવી શકીએ એમ નથી. અંગતકારણોસર આત્મહત્યા કરી છે. મારા વગર માતા અને બહેન શું કરશે, કેવી રીતે જીવશે એટલે એમને મારી નાંખવાનું નક્કી કર્યું હતું. માતાને માથુ દુઃખતું હતું અને બહેનની તબિયત સારી ન હતી. રાત્રે ૧૨.૩૦ આસપાસ ઊંઘની દવાનું ઈન્જેક્શન આપી હત્યા કરી નાંખી. એ પછી ૨૭ ગોળી ઊંઘની મેં પણ ખાઈ લીધી હતી. સ્યુસાઈડ નોટમાં માત્ર એટલું લખ્યું હતું કે, હું મરીશ તો મારી બહેન અને માતાનું શું થશે? મૂળ ભાવનગરના પસવી ગામના વતની અને કતારગામ ધનમોરા નજીક સહજાનંદ સોસાયટીમાં રહેતા પ્રજાપતિ પરિવારના મંજુલાબેન કાંતિભાઈ સોંડગરની મોટી દીકરી ડૉ. દર્શના હોમિયોપેથી તબીબ છે. જ્યારે નાની દીકરી ફાલ્ગુની ખાનગી શાળામાં ટીચર હતી. પુત્ર ગૌરવ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે એના પિતા છેલ્લા ૨૦ વર્ષથી અલગ રહે છે. એસીપી ડી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે,મંજુલાબેન અને ફાલ્ગુનીનું મોત વધારે પડતી ઊંઘની ગોળી લેવાને કારણે થયું છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. પોલીસે મહિલા ડૉક્ટર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી દીધી છે. શનિવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. જ્યારે રવિવાર સવારે ગૌરવ ઘરે આવ્યો ત્યારે ત્રણેયને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તબીબે માતા અને બહેનને મૃત જાહેર કર્યા. જ્યારે દર્શનાની સ્થિતિ હજું પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પૂછપરછ કરતા ડૉ.દર્શનાએ કબૂલાત કરી હતી.HS