સુરતમાં દારૂની પાર્ટી કરતા ૧૦ લોકોને પોલીસે ઝડપ્યા
સુરત, સુરતમાંથી વધુ એક લક્ઝુરિયસ દારૂની મહેફિલ પકડાઈ છે. જેમાં ૩ મહિલા સહિત ૧૦ લોકો દારૂ પીતા પકડાયા છે. સરથાણા વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં પાર્ટી પ્લોટના માલિકે સાળાની પત્નીનું શ્રીમંત હોવાથી દારૂની પાર્ટી રાખી હતી. પાર્ટીમાં તમામ ૧૦ લોકો પીધેલી હાલતમાં પકડાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખટોદરા પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને બાતમી મળી હતી કે, અલથાણાના પાંડેસરા ખાડી બ્રિજ પાસે આવેલ કેશવ પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જેથી પોલીસે બાતમીના આધારે કેશવ પાર્ટી પ્લોટમાં રેડ પાડી હતી. જેમાં દારૂની મહેફિલ પકડાઈ હતી.
પોલીસે જાેયું તો, ટેબલ ખુરશી પાથરીને દસ જણા દારૂ પી રહ્યા હતા. જેમાં ત્રણ મહિલાઓ પણ સામેલ હતી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, ઝડપાયેલા ૧૦ લોકો પૈકી એક કેશ પાર્ટી પ્લોટનો માલિક પુકાર પટેલ હતો. જેણે સાળાની પત્નીનું શ્રીમંત હોવાથી દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. પકડાયેલા તમામ લોકો એકબીજાના સંબંધી છે.